ગામની બહાર ખોદેલા ૯ ફુટ ઊંડા ખાડામાં એકસાથે વાઘ અને કૂતરો બન્ને પડી ગયા હતા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
તામિલનાડુ અને કેરલાની સીમા પર આવેલા મઈલાડુમપરાઈ ગામની સીમ પર એક અજીબ ઘટના ઘટી હતી. ગામની બહાર ખોદેલા ૯ ફુટ ઊંડા ખાડામાં એકસાથે વાઘ અને કૂતરો બન્ને પડી ગયા હતા. રવિવારની સવારે ઘટેલી આ ઘટના માટે સ્થાનિક લોકોનું કહેવું છે કે કૂતરાની પાછળ વાઘ પડ્યો હતો અને બચવા માટે નાસભાગ ચાલી રહી હતી એ દરમ્યાન કદાચ બન્ને સાથે ખાડામાં પડી ગયા હશે. ઊંડા ખાડામાં પડવાને કારણે બન્ને પ્રાણી હેબતાઈ ગયાં હતાં. જોકે વનવિભાગને સવારે ૭ વાગ્યે આ ડ્રામાની ખબર મળી તો તરત જ એક ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. વાઘને જાગતો જ બહાર કાઢવાનું શક્ય નહોતું એટલે તેમણે ઘેનનું ઇન્જેક્શન છોડીને વાઘને બેભાન કરી દીધો હતો. વાઘ બેભાન થઈ ગયો ત્યાં સુધી કૂતરો શાંત થઈને પડ્યો હતો, પણ વાઘ બેભાન થતાં જ એણે જોરજોરથી ભંસવાનું શરૂ કરી દીધું હતું. વનવિભાગે બન્નેને વારાફરતી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બન્નેને કોઈ નુકસાન નહોતું થયું. વાઘની પૂરી મેડિકલ તપાસ થશે અને જો એ સ્વસ્થ અને ફિટ જણાશે તો એને પેરિયાર અભયારણ્યમાં છોડી મૂકવામાં આવશે.

