જોકે સ્પેનમાં લા રોમાના શહેરમાં રહેતા ૧૪ વર્ષના ટીનેજરે તો પોતાનું અલગથી ઘર જ બનાવી દીધું હતું
વાઇરલ તસવીર
ટીનેજર ભારતનો હોય કે વિદેશનો, ટીનેજમાં સંતાનોને માતા-પિતાની રોકટોક પણ કટકટ લાગે છે. જોકે સ્પેનમાં લા રોમાના શહેરમાં રહેતા ૧૪ વર્ષના ટીનેજરે તો પોતાનું અલગથી ઘર જ બનાવી દીધું હતું. અલબત્ત, એ પણ પેરન્ટ્સથી છુપાવીને અને તેમના જ નાક નીચે. વાત એમ હતી કે થોડાંક વર્ષો પહેલાં ઍન્ડ્રેસ કૅન્ટો નામના આ કિશોરને પોતાના ગામ જવું હતું, પણ પેરન્ટ્સે તેને ઘસીને ના પાડી દીધી. છોકરાને ગામમાં માટી સાથે રમવું અને માટીમાં જ રહેવું ગમતું હતું, પરંતુ પેરન્ટ્સની મનાઈને કારણે તેને બહુ જ ગુસ્સો આવી ગયો હતો. તેણે પોતાના ઘરના બગીચામાં જ ગુપચુપ એક ખાડો ખોદવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેને જ્યારે ગુસ્સો આવતો ત્યારે તે ખાડાને વધુ ઊંડો બનાવીને પોતાનો ગુસ્સો ત્યાં ઠાલવી નાખતો હતો. જોકે ગુસ્સો કાઢવાનું આ કામ થોડા જ સમયમાં તેને બહુ ગમવા લાગ્યું. તેને એમાંથી એક હેતુ મળી ગયો. તેણે ત્યાં જ ખાડાને સુરંગમાં તબદીલ કરવાનું નક્કી કરી લીધું. લગભગ ૬ વર્ષ સુધી તે રોજ થોડો-થોડો સમય આ સુરંગ ખોદતો અને એની નીચે જે ગુફા જેવું બન્યું એમાં તેણે પોતાનું અલગ ઘર તૈયાર કરી નાખ્યું. ઍન્ડ્રેસ કૅન્ટોને એમાં તેના દોસ્તનો પણ સાથ મળ્યો. ક્યારેક તો બન્ને રોજના ૧૪ કલાક ખોદકામ કરતા. ડ્રીલિંગ મશીન લઈને મંડી પડેલા આ બે છોકરાઓએ લગભગ ૬ વર્ષની મહેનતે અન્ડરગ્રાઉન્ડ ઘર બનાવી દીધું હતું. એમાં લાઉન્જ અને બેડરૂમ બન્ને હતાં. ઘરમાં ઊંડે જવા માટે દાદરા પણ બનાવ્યા છે. હવે તેણે આ અન્ડરગ્રાઉન્ડ ગુફાને પોતાનું પ્રાઇવેટ ઠેકાણું બનાવી દીધું છે. તેના પેરન્ટ્સને પણ જ્યારે દીકરાના આ મજાના કારસ્તાનની ખબર પડી તો તેમની ખુશીનો પણ પાર નહોતો રહ્યો.


