સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતા પ્રાણીનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ નાલાબહેનનું છે. ૨૦૧૦માં આ બિલાડી જન્મી ત્યારે રસ્તા પર હતી અને પછી શેલ્ટર-હોમમાં આશ્રય પામી.
નાલા નામની બિલાડી
અમેરિકાના કૅલિફૉર્નિયામાં નાલા નામની એક બિલાડી છે જે અબજોપતિ છે. આ સંપત્તિ તેને માલિક તરફથી દાનમાં મળેલી નથી, તેણે જાતે કરેલી મહેનતથી કમાઈ છે. તાજેતરમાં આ નાલાબહેનને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. એનું કારણ છે તેમના ૪૪ લાખ ફૉલોઅર્સ. સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતા પ્રાણીનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ નાલાબહેનનું છે. ૨૦૧૦માં આ બિલાડી જન્મી ત્યારે રસ્તા પર હતી અને પછી શેલ્ટર-હોમમાં આશ્રય પામી.

પાંચ મહિનાની ઉંમરે વરિસિરી નામના એક ભાઈ આ બિલાડીને દત્તક લઈને ઘરે લઈ ગયા. તેની માંજરી આંખો અને માસૂમ ચહેરો તેમને બહુ ગમતો હતો એટલે તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની વહાલી નાલાનો પ્રોફાઇલ બનાવ્યો અને એના રોજનાં નખરાં સોશ્યલ મીડિયા પર શૅર કરવાનું શરૂ કર્યું. આ સોશ્યલ મીડિયા અકાઉન્ટ થકી તેની કમાણી દિન દોગુના, રાત ચૌગુના વધવા લાગી અને અત્યારે તેની કુલ સંપત્તિ ૧૦૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૮૩૯ કરોડ રૂપિયા છે. નાલાબહેન એટલાં ફેમસ છે કે તેઓ ઍડ્વર્ટાઇઝમેન્ટમાં કામ કરીને અને બ્રૅન્ડ-પાર્ટનરશિપથી પૈસા કમાય છે. પેટ્સ માટેની અનેક પ્રોડક્ટ્સની બ્રૅન્ડ-ઍમ્બેસૅડર છે. નાલાના જ નામે તેના માલિકે એક કૅટ ફૂડ બ્રૅન્ડ ‘લવ નાલા’ લૉન્ચ કરી છે અને એ માટે તેને મોટો ઇન્વેસ્ટર પણ મળી ગયો છે.


