કોચીથી વેનિસ જતાં એક દંપતીને કતર એરવેઝ દ્વારા કનેક્ટિંગ ફ્લાઇટમાં બોર્ડિંગ ન આપતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વર્ષો બાદ કન્ઝ્યુમર કોર્ટે એરલાઇનને 10 લાખ રૂપિયાનું વળતર અને 25 હજાર રૂપિયાનો કેસ ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો.
પ્રતીકાત્મક તસવીર
મૂળ કેરલમના અને ઇટલીમાં કામસર સ્થાયી થયેલા રોશન જોસ નામના ભાઈ તેમની પત્ની અને બે બાળકો સાથે ૨૦૧૮ના નવેમ્બર મહિનામાં રજાઓ માણવા માટે કોચી આવ્યા હતા. કોચીથી ઇટલીના વેનિસ શહેર પાછા જવા માટે તેમણે કતર ઍરવેઝની ટિકિટ બુક કરાવી હતી. બુકિંગ સમયે જ તેમની સાથે ૧૦ મહિનાનું બાળક હશે એવી જાણકારી આપીને એના દસ્તાવેજો આપ્યા હતા. જ્યારે તેઓ ઍરપોર્ટ પહોંચ્યા ત્યારે ચેક-ઇન થઈ ગયું અને યુગલને બોર્ડિંગ પાસ પણ આપી દીધા, પણ તેમના ૬ વર્ષના દીકરા પાસે અલગથી વીઝા ન હોવાથી તેને ફ્લાઇટમાં બોર્ડ કરવા ન દીધો. યુગલે વેનિસ જવું જ પડે એમ હોવાથી યુગલ દીકરાને દાદા-દાદી પાસે છોડીને ૧૦ મહિનાના બાળક સાથે ફ્લાઇટમાં બેસી ગયું. જોકે એ પછી પણ તેમની અડચણ ઓછી ન થઈ. કોચીથી દોહા પહોંચીને ત્યાંથી વેનિસની કનેક્ટિંગ ફ્લાઇટ લેવાની હતી ત્યારે તેમની સાથે ૧૦ મહિનાનું બાળક બ્રેસ્ટફીડિંગ કરતું હોવાથી તેને ફ્લાઇટમાં બોર્ડ નહીં કરવા દેવામાં આવે એવું કહી દીધું. અહીં તેમને અઢી કલાક રાહ જોવડાવ્યા પછી ઍરલાઇને ધરાર ના પાડી દેતાં તેમણે બીજી ઍરલાઇનની ફ્લાઇટ બુક કરીને વેનિસ પહોંચવું પડ્યું.
આ અગવડને યુગલે ભારતની કન્ઝ્યુમર કોર્ટમાં પડકારી હતી. તાજેતરમાં આ કેસનો ચુકાદો આવ્યો જેમાં કોર્ટે કતર ઍરવેઝને નિર્દેશ કર્યો છે ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો. એ ઉપરાંત ૨૫,૦૦૦ રૂપિયા કોર્ટના કેસના ખર્ચ તરીકે પણ વધારાના આપવાના રહેશે.
