શૉન યોગ્ય સમયે કૅલીને પ્રપોઝ કરીને આ રિન્ગ પહેરાવવાનો હતો. જોકે આગ શમી ગયા પછી (ફાયરબ્રિગેડે અંદર જવાની પરવાનગી આપ્યા બાદ) શૉને સમયસૂચકતા વાપરીને બંગલોમાં જઈ સૌથી પહેલાં રિન્ગ લઈને પોતાની પાસે રાખી લીધી હતી.
આગમાં ખાક થયેલા ઘરમાંથી મેળવેલી રિન્ગ સાથે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું
અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં રહેતા શૉન મૅથ્યુઝ અને કૅલી સ્ટેન્લીએ તાજેતરમાં જે રીતે સગાઈ કરી એમ અગાઉ કદાચ કોઈએ નહીં કરી હોય. ખાસ કરીને કૅલીને જે અનુભવ થયો એ ૫૦ માળ ઉપરથી બન્જી જમ્પિંગ કરવામાં થાય એવો થયો હતો.
શૉન અને કૅલી પરણ્યાં નથી, પણ બન્નેએ ભેગાં થઈને ખરીદેલા એક જ બંગલોમાં સાથે રહે છે. આ મહિનાની શરૂઆતના શનિવારે બપોરે લંચ પૂરું કરીને સાંજે તેઓ ડિનર માટે ઘરની બહાર નીકળી ગયાં હતાં. તેઓ એક પિકનિકના સ્થળે હતાં ત્યારે તેમના પાડોશીનો ફોન આવ્યો જેમાં તેમણે બૅડ ન્યુઝ આપતાં કહ્યું કે ‘તમારા ઘરમાં મોટી આગ લાગી છે એટલે જલદી પાછાં આવી જાઓ.’ શૉન-કૅલીએ તાબડતોબ ઘરે પાછાં જવાનું શરૂ તો કર્યું, પણ તેમણે પાડોશીને ફોન કરીને પોતાના ડૉગીને બચાવવાની વિનંતી કરી. જોકે પાડોશીએ તેમને ફોન કરતાં પહેલાં જ તેમના ડૉગીને પોતાની પાસે લઈ લીધું હતું.
શૉન અને કૅલીને પોતાની એન્ગેજમેન્ટ રિન્ગની ચિંતા હતી. શૉન યોગ્ય સમયે કૅલીને પ્રપોઝ કરીને આ રિન્ગ પહેરાવવાનો હતો. જોકે આગ શમી ગયા પછી (ફાયરબ્રિગેડે અંદર જવાની પરવાનગી આપ્યા બાદ) શૉને સમયસૂચકતા વાપરીને બંગલોમાં જઈ સૌથી પહેલાં રિન્ગ લઈને પોતાની પાસે રાખી લીધી હતી. તેણે કૅલીને મોબાઇલ પર મેસેજ કર્યો કે ‘આપણું ઘર ભલે બળી ગયું અને આપણે બીજું ઘર ખરીદી પણ લઈશું, પરંતુ આજે હું તારી સાંજને યાદગાર તો બનાવીશ જ.’ શૉને પરિવારજનોને ભેગા કર્યા અને બધાની વચ્ચે (ખાક થયેલા ઘરની સામે) ગાર્ડનમાં કૅલીને રિન્ગ બતાવીને એન્ગેજમેન્ટ માટે પ્રપોઝ કર્યું હતું. કૅલીના આશ્ચર્યનો પાર નહોતો. હર્ષનાં આંસુ સાથે કૅલીએ પેટ ભરીને હસી લીધા પછી શૉનની પ્રપોઝલ સ્વીકારી લીધી હતી.