Pooja in Railway Viral: રેલવેના જણાવ્યા અનુસાર આ કોઈ સામાન્ય કોચ નહોતો પરંતુ ખાનગી ધોરણે બુક કરવામાં આવેલ `સેલૂન કાર` હતી. આ કોચને આઈઆરસીટીસી (IRCTC) દ્વારા કરવામાં આવેલા કોમર્શિયલ બુકિંગ હેઠળ ફાળવવામાં આવ્યો હતો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
તાજેતરમાં જ રેલવેનો હનીમૂન કોચ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો હતો. વાત ત્યાંથી અટકી નથી. હવે ભારતીય રેલવે કોચનો નવો વિડીયો વાઇરલ (Pooja in Railway Viral) થઈ રહ્યો છે. વાત કંઇક એમ છે કે એક ટ્રેનના લક્ઝરી કોચની અંદર પૂજા-વિધિ ચાલી રહી હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો. એક પૂજારી ટ્રેનના ડબ્બાના ફ્લોર પર બેસીને વિધિવત પૂજા-અર્ચના અને રુદ્રાભિષેક કરાવતો દેખાતો હતો. હનીમૂન કોચ બાદ આ નવા વીડિયોએ ફરીથી ચર્ચા જગાવી છે કે ખરેખર ભારતીય રેલવે ટ્રેનની અંદર આ પ્રકારના આયોજનો કરવાની પરમીશન આપે છે કે શું?
વિડીયો (Pooja in Railway Viral) સામે આવ્યા બાદ સતત રેલતંત્ર પર સવાલો ઉઠી રહ્યા હતા અને તેની વચ્ચે રેલવે સફાળું જાગ્યું છે અને આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે. આ મામલો ગરમાયા બાદ ઉત્તર રેલવેના સત્તાવાર એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પરથી વાતનો ફોડ પાડવામાં આવ્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર આ કોઈ સામાન્ય કોચ નહોતો પરંતુ ખાનગી ધોરણે બુક કરવામાં આવેલ `સેલૂન કાર` હતી. આ કોચને આઈઆરસીટીસી (IRCTC) દ્વારા કરવામાં આવેલા કોમર્શિયલ બુકિંગ હેઠળ ફાળવવામાં આવ્યો હતો. આ સાથે જ ઉત્તર રેલવેએ જણાવ્યું કે આ બુકિંગ 8 જુલાઈ 2026ના રોજ કરવામાં આવ્યું હતું, જેના માટે પાર્ટીએ કોમર્શિયલ બુકિંગ પેટે ₹3,08,580નું એડવાન્સ પેમેન્ટ આપ્યું હતું.
ADVERTISEMENT
આ સલૂન કાર (Pooja in Railway Viral)ને 10 જુલાઈ 2026ના રોજ નવી દિલ્હી (NDLS)થી મુંબઈ (BDTS) સુધીની મુસાફરી માટે ટ્રેન નંબર 12926 પશ્ચિમ એક્સપ્રેસ સાથે કનેક્ટ કરવામાં આવી હતી. રેલવેએ ઓપરેશનલ શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ કોમર્શિયલ રનનું નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું.
After honeymoon coach, full pledged pooja is going on a running luxury tourist train pic.twitter.com/H7rUUvRO2Q
— TechChaitu (@techchaituu) July 13, 2026
એક્ઝેકટલી આ સેલૂન કાર છે શું?
તમને જણાવી દઈએ કે ટ્રેનની સેલૂન કાર (Pooja in Railway Viral) એ એક પ્રાઇવેટ અને ખૂબ જ વૈભવી રેલકોચ હોય છે. સામાન્ય રીતે તે ઉચ્ચ અધિકારીઓ અને વીઆઈપી (VIP) લોકો માટે તેને ડિઝાઇન કરવામાં આવે છે. પરંતુ IRCTC એ વર્ષ 2018થી તેને સામાન્ય જનતા માટે પણ બુક કરવાની સુવિધા શરૂ કરી હતી. આ આલીશાન બોગીમાં એર-કંડિશન્ડ (AC) બેડરૂમ, કિચન, લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ અને એટેચ્ડ ટોયલેટ જેવી તમામ આધુનિક સુવિધાઓ હોય છે. વાયરલ વીડિયોમાં પણ ટીવી, લેમ્પ, પડદા અને સુંદર બારીઓ જેવી લક્ઝરી વસ્તુઓ સ્પષ્ટ દેખાઈ રહી છે.
સુરક્ષા અંગે રેલવેએ શું કહ્યું?
આ રીતે રેલવેમાં પૂજા-વિધિને કારણે અન્ય પેસેન્જર્સની સુરક્ષા જોખમાતી હોવાના સવાલ અંગે રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અને ટ્રેનનું સંચાલન એ હંમેશા તેઓની સર્વોચ્ચ અગ્રિમતા રહેશે. આ સાથે જ ઉત્તર રેલવેએ જણાવ્યું કે, "મુસાફરોની સમયપાલનતા, સુરક્ષા, સંરક્ષણ અને સુવિધા જળવાઈ રહે તે જોવાનું પણ અમારી પ્રાથમિક ભૂમિકા અને જવાબદારીમાં આવે છે. તેમાં અમે કોઈ બાંધછોડ નથી કરતાં" હવે વાત રહી આ વાઇરલ વિડીયોની. તો રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે આ પૂજાવિધિ દરમિયાન કોઈને કોઈ પ્રકારની હાનિ થઈ નથી.
