૧૭ વર્ષનો સ્વિમિંગનો અનુભવ ધરાવતી કૅરોલિનાએ ૮૨ ફુટના સ્વિમિંગ-પુલમાં પૂરા બે દિવસ ગાળ્યા હતા
કૅરોલિના સ્જેપનિયાક
પોલૅન્ડની કૅરોલિના સ્જેપનિયાક નામની મહિલાએ સ્વિમિંગ-પુલમાં લગાતાર ૪૮ કલાક તરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ૧૭ વર્ષનો સ્વિમિંગનો અનુભવ ધરાવતી કૅરોલિનાએ ૮૨ ફુટના સ્વિમિંગ-પુલમાં પૂરા બે દિવસ ગાળ્યા હતા. બે દિવસના ૪૮ કલાક દરમ્યાન તે એક પણ વાર પુલની બહાર આવી નહોતી. કૅરોલિનાની આ સ્વિમિંગ ચૅલેન્જ પોલૅન્ડ ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત હતી જે પોતાનાં અંગો ખોઈ ચૂક્યાં હોય એવાં બાળકોની દેખરેખ રાખવાનું અને આર્ટિફિશ્યલ અંગો લગાવવાનું કામ કરે છે.
સતત બે દિવસ સુધી પાણીમાં રહેવું એ શારીરિક રીતે ખૂબ પડકારજનક કામ હતું, પરંતુ એ માટે તેણે મહિનાઓથી જાતને તૈયાર કરવાની શરૂઆત કરેલી. લગાતાર ૪૮ કલાક જાગતા રહેવું એ જ મોટી ચૅલેન્જ હતી. એ માટે તેણે છેલ્લાં કેટલાંય અઠવાડિયાંથી ડાયટિંગ, ઊંઘ પર નિયંત્રણ રાખવાની ટ્રેઇનિંગ, વેઇટ ટ્રેઇનિંગ અને લાંબા કલાકો સુધી સ્વિમિંગ કરવાની પ્રૅક્ટિસ કરી હતી. ૪૮ કલાકના આ પડકાર દરમ્યાન કૅરોલિના જરાય સૂતી નહોતી. માત્ર વચ્ચે બ્રેક લઈને પાણીમાં જ રહ્યે-રહ્યે તરવામાંથી બ્રેક લઈને ફૂડ લીધું હતું જેથી એનર્જી ટકી રહે. લગાતાર બીજા દિવસે સ્વિમિંગ કરી રહી હતી ત્યારે તેની સ્પીડ ખૂબ જ ધીમી થઈ હતી, પરંતુ તેણે હાર નહોતી માની.
ADVERTISEMENT
અમેરિકાની અમેલિયા દ લૉસ રિયોસ નામની ફ્રીડાઇવર મહિલાએ પાણીની અંદર છ મિનિટ ૫૮ સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખવાનો રેકૉર્ડ બનાવ્યો છે જે પુરુષોના શ્વાસથંભનના રેકૉર્ડ કરતાં ૧૨ સેકન્ડ વધુનો છે.


