નશાની તલપને કારણે તેણે ન ખાવાની ચીજો ખાવાની શરૂ કરી દીધી હતી.
આવી ઘટનાઓ મોટા ભાગે માનસિક વિકાર અથવા તો પિકા નામની બીમારીને કારણે થાય છે
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં સચિન નામના એક ભાઈના પેટમાંથી અજીબોગરીબ ચીજો કાઢવામાં આવી હતી. વાત એમ હતી કે સચિનને નશો કરવાની આદત હતી એટલે પરિવારજનોએ તેને નશામુક્તિ કેન્દ્રમાં દાખલ કર્યો હતો. ત્યાં તેના પર કડક નિગરાની રખાતી હોવાથી નશો કરવા મળતો નહોતો. જોકે નશાની તલપને કારણે તેણે ન ખાવાની ચીજો ખાવાની શરૂ કરી દીધી હતી. થોડા દિવસ બાદ તેની હાલત અચાનક ખરાબ થઈ જતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેનો એક્સ-રે કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે તેના પેટમાં ખૂબ મોટી માત્રામાં ધાતુ જેવો પદાર્થ છે. એ ધાતુની ચીજો કાઢવા માટે તેનું ઑપરેશન કરવામાં આવ્યું. જોકે આ સર્જરી ડૉક્ટરો માટે પણ ચોંકાવનારી હતી. તેમણે સચિનના પેટમાંથી ૨૯ ચમચી, ૧૯ ટૂથબ્રશ અને બે પેન કાઢી હતી. સર્જરી પછી દરદીની હાલત સ્થિર થઈ હતી. ડૉક્ટરોનું કહેવું છે કે આવી ઘટનાઓ મોટા ભાગે માનસિક વિકાર અથવા તો પિકા નામની બીમારીને કારણે થાય છે. નશો ન મળતાં કદાચ સચિનમાં પણ આવી ખાવાયોગ્ય ન હોય એવી ચીજો ખાઈને તલપ રોકવાનું વલણ વિકસ્યું હશે.


