બે કલાકનો સમય કૃષ્ણચંદ્ર સાહુ અને આખો પરિવારે ભયંકર ભયના ઓથાર હેઠળ કાઢ્યો હતો
લકવાગ્રસ્ત કૃષ્ણચંદ્ર સાહુ
ઓડિશાના બૌધ જિલ્લાના અડેનીગઢ ગામમાં જોતાં જ થથરી જવાય એવી એક ઘટના ઘટી હતી. પુરાણોમાં નાગ-ફાંસના કિસ્સાઓ વર્ણવાય છે એવું જ કંઈક અસલ જિંદગીમાં એક વૃદ્ધ સાથે બન્યું હતું. લકવાગ્રસ્ત કૃષ્ણચંદ્ર સાહુ નામના એક ભાઈ ખુરસી પાસે ટેકો દઈને બેઠા હતા ત્યારે એક સાપ તેમની નજીક આવ્યો, ખુરસીના પાયા પર ચડ્યો અને ખુરસીના પાયા પાસેના વૃદ્ધના હાથની ફરતે વીંટળાઈ વળ્યો. સાપ એવી રીતે વીંટળાયો હતો જાણે વૃદ્ધને રસ્સીથી ખુરસીના પાયા સાથે બાંધી દેવા માગતો હોય. વડીલ લકવાગ્રસ્ત હોવાથી જાતે શરીર હલાવી શકે એમ નહોતા, પણ તેમણે ધીમો-ધીમો ઊંહકારો શરૂ કર્યો એટલે પરિવારજનો રૂમમાં દોડી આવ્યા. અંદર જે નજારો જોયો એનાથી પરિવારજનો પણ હેબતાઈ ગયા. જો પરાણે સાપને ખેંચીને કે મારીને ભગાવવાની કોશિશ કરવામાં આવે તો એ વડીલને કરડી જઈ શકે. એવામાં વડીલ સ્થિર બેસી રહે એમાં જ ભલાઈ જણાઈ રહી હતી. સાપનું ધ્યાન બીજે ભટકે એ માટે રૂમના બીજા છેડે હળવા અવાજો કરવાનું શરૂ કર્યું. લગભગ બે કલાકે સાપે વડીલના હાથ અને ખુરસી વચ્ચેની પકડ ઢીલી કરી. એ પછી તરત જ સાપને પકડી લેવામાં આવ્યો અને એને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના નજીકના જંગલમાં છોડી આવ્યા. જોકે બે કલાકનો સમય કૃષ્ણચંદ્ર સાહુ અને આખો પરિવારે ભયંકર ભયના ઓથાર હેઠળ કાઢ્યો હતો. જોકે અંત ભલા તો સબ ભલા.
