મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દાબેલી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.

હવે આવી રહ્યું છે સ્વિસ દાબેલી ફૉન્ડ્યુ
ખાવાની ચીજો સાથે અખતરા કરવાનો લોકોનો શોખ અનેક વાર કોઈ નવી જ વાનગીને જન્મ આપે છે, તો વળી ક્યારેક પ્રચલિત વાનગીમાં એવો ટ્વિસ્ટ લાવીને મૂકે છે કે ભાવતી વાનગી પ્રત્યે પણ અણગમો થાય. જોકે તો પણ વાનગીઓ સાથે થતા અખતરાઓમાં ઘટાડો નથી થતો. તાજેતરમાં નેટિઝન્સને આંચકો અને આઘાત આપવા આવી રહી છે ‘સ્વિસ દાબેલી ફૉન્ડ્યુ.’
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દાબેલી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. પાંઉમાં બટાટાનું પૂરણ ભરીને ગરમ કરીને ખવાતી આ વાનગી સ્થાનિક બજારના લગભગ દરેક ગલી-નુક્કડ પર મળે છે. વડાપાંઉની જેમ ખવાતી આ વાનગીને પણ ફૉન્ડ્યુમાં ફેરવી શકાય છે એવી તો કલ્પના પણ નહીં કરી હોય કોઈએ. ટ્વિટર-યુઝર કુણાલ સાવર્ડેકરે દાબેલી ફૉન્ડ્યુનો ફોટો શૅર કર્યો હતો. ટ્વિટર પર શૅર કરાયેલા ફોટો મુજબ એક પ્લેટમાં ટોસ્ટ બ્રેડના નાના ટુકડા સાથે એક બાઉલમાં દાબેલીનું પૂરણ મૂકી સિંગદાણા અને દાડમના દાણાથી સજાવવામાં આવ્યું છે.

