રીંછને પોતાના હાથથી સ્ટ્રૉબેરી ખવડાવતી આ મહિલા કોણ છે?
આ મહિલા પોતાના હાથેથી રીંછને સ્ટ્રોબેરી ખવડાવે છે
માણસ કરતાં ચારથી પાંચગણું વજન ધરાવતું રીંછ ભલે દેખાવમાં ક્યુટ હોય, એ સ્વભાવે પણ ક્યુટ હોય એવું બહુ ઓછું જોવા મળે છે. જોકે તાજેતરમાં એક રીંછ અને મહિલાની દોસ્તીનો વિડિયો યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે એ અચરજ પમાડે એવો છે. લાલ કોટ પહેરીને આધેડ વયની એક મહિલા કદાવર રીંછની બાજુમાં સૂઈને એને પોતાના હાથેથી સ્ટ્રૉબેરી અને અન્ય ફળો ખવડાવતી હોય એવું દેખાય છે. ચોતરફ બરફ છે અને આ રીંછભાઈ મહિલાની બાજુમાં બેસીને ફળોનો આનંદ ઉઠાવે છે અને આજુબાજુ નજર કરતા જાય છે. વિડિયોમાં કોઈ સ્પષ્ટતા નથી કે આ પાળેલું રીંછ છે કે જંગલી. જોકે જે રીતે મહિલા આ રીંછ સાથે ખૂબ રિલૅક્સ થઈને વર્તે છે એ જોતાં એ પાળતુ રીંછ હોવાની સંભાવના લાગે છે. આ પ્રજાતિનાં રીંછ ૩૫૦થી ૪૫૦ કિલો વજન ધરાવતાં હોય છે અને એમને માણસો સાથે બહુ ગોઠતું નથી હોતું.