એક સમયે ઝામોરિન્સ શહેર તરીકે જાણીતું કોઝીકોડ બ્રિટિશ શાસન દરમ્યાન કાલિકટ તરીકે ઓળખાતું હતું
કોઝીકોડ
નૉર્થ કેરલાનું કોઝીકોડ શહેર ભારતનું પ્રથમ UNESCO ‘સિટી ઑફ લિટરેચર’ બની ગયું છે. ઑક્ટોબર ૨૦૨૩માં કોઝીકોડને યુનેસ્કો ક્રીએટિવ સિટીઝ નેટવર્ક (UCCN)ની ‘લિટરેચર’ શ્રેણીમાં સ્થાન મળ્યું હતું. કોઝીકોડ એના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે. કોઝીકોડને મળેલા સન્માન બાદ રાજ્ય સરકારે એવી જાહેરાત કરી હતી કે આવતા વર્ષથી દર ૨૩ જૂને કોઝીકોડનો ‘સિટી ઑફ લિટરેચર’ દિવસ ઊજવવામાં આવશે. રાજ્યના સ્થાનિક સ્વરાજ્ય વિભાગના પ્રધાન એમ. બી. રાજેશે કહ્યું કે ‘કોઝીકોડ શહેર માનવતા, સુમેળ, ન્યાયની મજબૂત ભાવના અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ધરાવે છે. આ મૂલ્યોને કારણે જ કોઝીકોડમાં વાઇબ્રન્ટ આર્ટનો જન્મ થયો છે અને એણે કલકત્તા જેવા સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવતા શહેરને પણ પાછળ મૂકીને ‘સિટી ઑફ લિટરેચર’નું સન્માન મેળવ્યું છે.’
એક સમયે ઝામોરિન્સ શહેર તરીકે જાણીતું કોઝીકોડ બ્રિટિશ શાસન દરમ્યાન કાલિકટ તરીકે ઓળખાતું હતું. આ શહેર સદીઓ પહેલાં પર્શિયન, આરબ, ચાઇનીઝ અને યુરોપિયન માટે દરિયાકિનારાનું પ્રવેશદ્વાર કહેવાતું હતું. કેરલામાં સ્વાતંત્ર્ય ચળવળની શરૂઆત કોઝીકોડથી થઈ હતી. આ શહેર ઘણા દાયકાઓથી બુક ફેસ્ટિવલ માટે જાણીતું સ્થળ બન્યું છે. આ શહેરમાં ૫૦૦થી વધુ લાઇબ્રેરી છે. ભારતના ગ્વાલિયર અને કોઝીકોડનો સમાવેશ એ પંચાવન નવાં શહેરોમાં થયો છે જે UCCNમાં જોડાયાં છે. મધ્ય પ્રદેશનું ગ્વાલિયર સંગીતની શ્રેણીમાં અને કોઝીકોડને સાહિત્યની શ્રેણીમાં સ્થાન મળ્યું છે.


