મધ્ય પ્રદેશમાં ૨૦૧૯થી ૨૦૨૨ની સાલ દરમ્યાન એક એવો રહસ્યમય ગોટાળો થયેલો બહાર આવ્યો છે કે એ જાણીને હસવું કે રડવું એ ખબર ન પડે. મધ્ય પ્રદેશના એક ગામમાં દ્વારકાબાઈ નામની મહિલાને ૨૯ વાર સાપ કરડ્યો છે.
દ્વારકાબાઈ
મધ્ય પ્રદેશમાં ૨૦૧૯થી ૨૦૨૨ની સાલ દરમ્યાન એક એવો રહસ્યમય ગોટાળો થયેલો બહાર આવ્યો છે કે એ જાણીને હસવું કે રડવું એ ખબર ન પડે. મધ્ય પ્રદેશના એક ગામમાં દ્વારકાબાઈ નામની મહિલાને ૨૯ વાર સાપ કરડ્યો છે. વારંવાર તેને સાપ કરડે છે, તેનું મૃત્યુ થાય છે, તેના નામે વળતરની રાશિ નીકળે છે અને પાછી તે જીવતી થઈ જાય છે. ૨૯ વાર આવું થયું છે. જોકે જે પંચાયતના ચોપડે દ્વારકાબાઈના નામે આ ગોટાળો થયો છે એ દ્વારકાબાઈ કોણ છે એ કોઈને ખબર નથી. વળી બીજો એક કિસ્સો છે શ્રીરામ નામના ભાઈનો. તેમનું સાપ કરડવાથી ૨૮ વાર મૃત્યુ થયું છે. ત્રીજો કિસ્સો છે ૭૦ વર્ષના સંતકુમારનો. તેઓ તો જીવિત છે અને તેમને ખબર જ નથી કે તેમના નામે કંઈકેટલીયે વાર સાપ કરડવાથી મૃત્યુ થયું હોવાના દાવા થયા છે. આવા કુલ ૪૭ લોકોનાં નામ છે જેમનું કુલ ૨૭૯ વાર મૃત્યુ થયું છે. યસ, આ બધું સરકારી ચોપડે જ થાય છે. જે ૪૭ લોકો છે એમાંથી ઘણા તો અસ્તિત્વ જ નથી ધરાવતા તો ઘણાને ખબર જ નથી કે તેમના નામે શું ગેમ થઈ ગઈ છે. મધ્ય પ્રદેશના સિવની જિલ્લાનાં વિવિધ ગામોમાં થયેલી આ ઘટનામાં દરેક વખતે ‘સાપ કરડવાથી મૃત’ જાહેર કરાયેલા લોકોના પરિવારજનોને કુદરતી આપદાથી થયેલા મૃત્યુ બદલ સહાયતા રાશિરૂપે ૪-૪ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. મોટા ભાગના લોકોને સાપ કરડ્યો છે તો કેટલાક પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યા છે તો કેટલાકના માથે વીજળી પડવાથી મોત થયું છે. આ બધાં જ ખોટાં નામો ઊભાં કરવામાં આવ્યાં છે અને ૨૭૯ લોકોનાં મૃત્યુ પછી કુલ ૪૭ લોકોના નામે જ રૂપિયા ટ્રાન્સફર થયા છે. આ ગોટાળામાં કુલ ૧૧ કરોડ ૨૬ લાખ રૂપિયાની રાશિ નકલી સંબંધીઓના નામે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો ગોટાળો તાજેતરમાં બહાર આવ્યો છે. ઑડિટમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પોસ્ટ-મૉર્ટમનો રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટ વારંવાર માગવા છતાં રજૂ કરવામાં ન આવતાં ઊંડી તપાસ કરતાં આ ગોટાળો બહાર આવ્યો છે.


