વૈજ્ઞાનિકોના મતે બેઝ-કૅમ્પ પર જમીનનું તાપમાન દર વર્ષે ૦.૨૮ ડિગ્રી સેલ્સિયસના દરે વધી રહ્યું છે, જે ખુમ્બુ ગ્લેશિયરના અન્ય ભાગો કરતાં ખૂબ ઝડપી છે
ફાઇલ તસવીર
દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવાની માનવીય ઘેલછા હવે હિમાલય માટે વિનાશક સાબિત થઈ રહી છે. તાજેતરમાં ‘રીજનલ એન્વાયર્નમેન્ટલ ચેન્જ’ નામના જર્નલમાં પ્રકાશિત નેપાલી અને અમેરિકન વૈજ્ઞાનિકોના એક સંશોધનમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે એવરેસ્ટ બેઝ-કૅમ્પ પર પર્વતારોહકો દ્વારા કરવામાં આવતા પેશાબ અને ત્યાં વપરાતા ઈંધણને કારણે ખુમ્બુ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યું છે.
દર વર્ષે પર્વતારોહણની સીઝન દરમ્યાન એવરેસ્ટ બેઝ-કૅમ્પ પર આશરે ૧૬૦૦થી વધુ ટેન્ટ ઊભા કરવામાં આવે છે. એમાં કિચન, હીટર, વાઇ-ફાઇ અને હૉટ શાવર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. આ માનવીય પ્રવૃત્તિઓ બરફના પહાડને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે.
ADVERTISEMENT
ઊંચાઈ પર હોવાને કારણે પર્વતારોહકો વધુ પાણી પીએ છે. સંશોધન મુજબ ૨૦૨૩ની સીઝનમાં રોજનો સરેરાશ ૬૭૬૬ લીટર પેશાબ થયો હતો. શરીરમાંથી ૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીકળતો આ ગરમ પેશાબ બરફ પર પડતાં જ માત્ર એક જ સીઝનમાં ૧૫૪ ટન બરફ પીગળી ગયો હતો. માનવીય ઉત્સર્જન બરફ પીગળવામાં ૬ ટકા જેટલો ફાળો આપે છે.
બરફ પીગળવા પાછળ ૯૪ ટકા જેટલો મોટો ફાળો બેઝ-કૅમ્પ પર વપરાતા ઈંધણનો છે. ૨૦૨૩માં જ રસોઈ, લાઇટ અને હીટિંગ માટે ૮૨૪ LPG સિલિન્ડર, ૧૮,૯૩૫ લીટર કેરોસીન અને ૫૧૩૦ લીટર પેટ્રોલ-ડીઝલ બાળવામાં આવ્યાં હતાં.
વૈજ્ઞાનિકોના મતે બેઝ-કૅમ્પ પર જમીનનું તાપમાન દર વર્ષે ૦.૨૮ ડિગ્રી સેલ્સિયસના દરે વધી રહ્યું છે, જે ખુમ્બુ ગ્લેશિયરના અન્ય ભાગો કરતાં ખૂબ ઝડપી છે.
