કોઠારી કમ્પાઉન્ડમાં ડ્રગ્સ વેચાતું હોવાનો ખુદ શાસક પક્ષના નેતાનો જ આરોપ
TMCના હેડક્વૉર્ટર સામે હાથમાં બૅનરો લઈને દેખાવો કર્યા હતા
થાણેના કોઠારી કમ્પાઉન્ડમાં છૂટથી ડ્રગ્સ વેચાય છે, ત્યાં મોટાં-મોટાં પબ ઊભાં થઈ ગયાં છે અને ગેરકાયદે જગ્યા હડપ કરી લેવાઈ છે એટલે એની સામે ઍક્શન લેવામાં આવે એવી માગણી થાણેનાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નગરસેવિકા સ્નેહા આમ્બ્રેએ કરી છે.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં શિવસેના અને BJPની યુતિનું શાસન છે. સત્તામાં હોવા છતાં આ બાબતે TMC દ્વારા ઉદાસીન વલણ અપનાવાતું હોવાથી BJPનાં સ્નેહા આમ્બ્રેએ તેમના સમર્થકો સાથે TMCના હેડક્વૉર્ટર સામે હાથમાં બૅનરો લઈને દેખાવો કર્યા હતા અને નારાબાજી કરી હતી. મ્યુનિસપલ કૉર્પોરેશનનાં નગરસેવિકાએ જ આંદોલન કરવું પડતું જોઈને લોકો પણ અચરજ પામ્યા હતા. TMCમાં શિવસેના અને BJP વચ્ચે કોલ્ડ વૉર ચાલતી રહે છે અને એની પ્રતીતિ સમયાંતરે આવા આંદોલન દ્વારા થતી રહે છે.
