રેડિટ પર લગભગ ૧૫ કલાક પહેલાં એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં એક બિલાડીની પીઠ પર નાનું વાંદરું વળગીને બેઠું છે
કૅટ-ટૅક્સી
પ્રાણીઓ વચ્ચેની મિત્રતા અને શત્રુતાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આજકાલ સોશ્યલ મીડિયા પર પ્રાણીઓના જે વિડિયો અપલોડ થાય છે એ જોયા પછી તો કયાં પ્રાણીઓ વચ્ચે વેર હતું અને કયાં પ્રાણીઓ વચ્ચે પ્રેમ છે એ સમજવું મુશ્કેલ થઈ ગયું છે. કૂતરા અને બિલાડી વચ્ચે આજકાલ ઘણું સારું ટ્યુનિંગ જોવા મળે છે, જ્યારે એક જમાનામાં સતત ઝઘડતાં રહેતાં પતિ-પત્નીને કૂતરા-બિલાડાની ઉપમા આપવામાં આવતી હતી. એ જ રીતે બિલાડી અને વાંદરા વચ્ચે ટ્યુનિંગ હોય એવું સાંભળ્યું તો નથી, પણ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો અપલોડ થયો છે જે કાંઈક જુદું જ ચિત્ર રજૂ કરે છે.
રેડિટ પર લગભગ ૧૫ કલાક પહેલાં એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં એક બિલાડીની પીઠ પર નાનું વાંદરું વળગીને બેઠું છે અને મીનીમાસી રસ્તા પર જઈ રહ્યાં છે. જાણે થાકી ગયેલા વાંદરાએ કૅટ-ટૅક્સી ન કરી હોય. વાંદરાનું બચ્ચું ખૂબ આરામથી મીનીમાસીની પીઠ પર બેઠું છે અને બિલાડી પણ એને પીઠ પર બેસાડીને ખૂબ શાંતિપૂર્ણ રીતે જઈ રહી છે.
અત્યાર સુધી આ વિડિયો ૩૩૦૦ વાર જોવાયો છે અને એના પર અસંખ્ય ટિપ્પણીઓ થઈ છે.