બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસને નજરમાં રાખીને ગામમાં કોલ્ડ ડ્રિન્ક્સ અને એનર્જી ડ્રિન્ક્સનું વેચાણ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.
પ્રતીકાત્મક તસવીર
ગ્રામપંચાયતનું કાર્ય ગામનો વિકાસ હોય છે અને એને માટે જ એક કડક નિર્ણય મહારાષ્ટ્રના અહિલ્યાનગરના શ્રીગોંદા તાલુકાના પેડગાવની ગ્રામપંચાયતે લીધો છે. અહીં બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસને નજરમાં રાખીને ગામમાં કોલ્ડ ડ્રિન્ક્સ અને એનર્જી ડ્રિન્ક્સનું વેચાણ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. ઉનાળો નજીકમાં છે, કોલ્ડ ડ્રિન્ક્સની માગણી વધતી જશે અને જે કોલ્ડ ડ્રિન્ક્સ અને એનર્જી ડ્રિન્ક્સ વેચવામાં આવે છે એ હાનિકારક હોવા છતાં સ્કૂલનાં બાળકોમાં એનર્જી ડ્રિન્ક પીવાનો ક્રેઝ વધતો જાય છે. આ એનર્જી ડ્રિન્ક્સ બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે માટે પેડગાવની ગ્રામપંચાયતે આખા ગામમાં કોલ્ડ ડ્રિન્ક્સ અને એનર્જી ડ્રિન્ક્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પેડગાવના ગ્રામપંચાયત કાર્યાલયની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ગામના બધા દુકાનદારો અને ગામના લોકોએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. નાનાં બાળકોથી લઈને મોટાં બાળકો સુધી એનર્જી ડ્રિન્ક્સ પીવાનો વધતો જતો ક્રેઝ અને એના દુષ્પ્રભાવને નજર સામે રાખીને આ કડક ફેંસલો કરવામાં આવ્યો છે.

