મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક શિક્ષકે પોતાની સરકારી નોકરી બચાવવા માટે પોતાના છ દિવસના નવજાતને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી
પોલીસે બાળકની હત્યાના પ્રયાસના કેસમાં દંપતી પર કેસ નોંધીને તેમને પકડી લીધું છે.
મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક શિક્ષકે પોતાની સરકારી નોકરી બચાવવા માટે પોતાના છ દિવસના નવજાતને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી. તેની આ સાઝિશમાં તેની પત્ની પણ સામેલ હતી. આરોપી બબલુ ડાંડોલિયા ગામનો રહેવાસી હતો અને અમરવાડા ગામની પ્રાઇમરી સ્કૂલનો શિક્ષક છે. તેને ઑલરેડી ત્રણ સંતાનો છે જેમની ઉંમર આઠ, છ અને ચાર વર્ષની છે. તેને ત્રણ સંતાનો હોવાથી તેણે ઑલરેડી એક સંતાન બીજા કોઈને લાલન-પાલન માટે આપી દીધું હતું. જોકે એ પછી પણ ચોથી વાર બબલુની પત્ની ગર્ભવતી થઈ જતાં બન્નેએ આ વાત છુપાવી હતી. મધ્ય પ્રદેશમાં બેથી વધુ બાળકો ધરાવતા લોકોને સરકારી નોકરીમાંથી પાણીચું પકડાવી દઈ શકાય એવું પ્રાવધાન છે. એને કારણે બબલુ અને તેની પત્નીએ ચોથી પ્રેગ્નન્સીની વાત છુપાવી હતી અને ૨૩ સપ્ટેમ્બરે બીજા ગામની કોઈ મહિલાને બોલાવીને ઘરે જ પ્રસવ કરાવ્યો હતો. જોકે એ પછી પત્નીની તબિયત બગડતાં તેને પબ્લિક હેલ્થ સેન્ટરમાં ભરતી કરી હતી. દંપતીએ ૨૭ સપ્ટેમ્બરે આ નવજાત શિશુને જંગલમાં એક પથ્થરની નીચે મૂકી દીધું હતું. આખી રાત ઠંડી અને વરસાદના પાણીમાં પલળીને બાળકની હાલત ખરાબ થઈ ચૂકી હતી. વહેલી સવારે કેટલાક ગામજનોની બાળક પર નજર પડી ત્યારે શિશુના શરીર પર કીડી અને મંકોડા ચડી ગયા હતા. રાતભર ઠંડીમાં રહેવાથી તેને ફેફસાંમાં ચેપ લાગ્યો હોવાનો ખતરો પણ હતો. બાળકને પોલીસે જિલ્લા હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધું હતું. પોલીસે બાળકની હત્યાના પ્રયાસના કેસમાં દંપતી પર કેસ નોંધીને તેમને પકડી લીધું છે.


