મધ્ય પ્રદેશના શિવપુરીમાં ૬૫ વર્ષનાં સુરજિયાબાઈ જાટવે સ્વબચાવમાં બહાદુરી બતાવીને શિયાળ સાથે બાથંબાથી કરી હતી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મધ્ય પ્રદેશના શિવપુરીમાં ૬૫ વર્ષનાં સુરજિયાબાઈ જાટવે સ્વબચાવમાં બહાદુરી બતાવીને શિયાળ સાથે બાથંબાથી કરી હતી. બુધવારે સુરજિયાબાઈનો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં એક તરફ તેઓ લોહીલુહાણ અવસ્થામાં બેશુદ્ધ પડ્યાં છે અને તેમની બાજુમાં એક મૃત શિયાળના ગળે સાડીનો ફાંસો લગાવેલો છે. વાત એમ હતી કે બારખંડી ગામમાં રહેતાં સુરજિયાબાઈ તેમની ગાયો-ભેંસો માટે ચારો લેવા જંગલ તરફ ગયાં હતાં ત્યારે અચાનક જ એક શિયાળે તેમના પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાને કારણે તેઓ પડી ગયાં અને શિયાળે તેમના પગે બચકાં ભરવાનું શરૂ કર્યું. બહેને જોરજોરથી ચીસો પાડી, પણ આસપાસમાં કોઈ નહોતું એટલે કોઈ મદદે આવી શક્યું નહીં. આ ઘટના વિશે તેઓ કહે છે, ‘મેં પગેથી શિયાળને લાતો મારવાની શરૂ કરી એટલે એ વધુ ગુસ્સે ભરાયું અને હાથ પર બચકાં ભરવા લાગ્યું. એક તબક્કે મને લાગ્યું કે હવે શિયાળથી બચવાનું મુશ્કેલ છે. તમામ હિંમત એકઠી કરીને મેં શિયાળનું જડબું પકડી લીધું. બેઉ હાથે જડબું પકડેલું હોવાથી શિયાળનો પાવર ઓછો થયો એટલે હું એના પર ચડી ગઈ. લગભગ પંદર-વીસ મિનિટના સંઘર્ષ પછી મારી પણ તાકાત ઘટી ગઈ હતી એટલે મેં મારી સાડી કાઢી અને એનો ગાળિયો બનાવીને શિયાળના ગળામાં કસીને બાંધી દીધો.’
જોકે લગભગ અડધો કલાકની ઝપાઝપી પછી શિયાળ ગળેફાંસો લાગવાથી મરી ગયું અને ખાસ્સું લોહી વહી જવાને કારણે સુરજિયાબહેન બેહોશ થઈને ત્યાં જ ઢળી પડ્યાં. પરિવારજનો તેમને શોધતા આવ્યા અને હૉસ્પિટલમાં લઈ ગયા ત્યારે તેમની ક્રિટિકલ કન્ડિશન હતી. જોકે થોડા કલાકો પછી તેમને ભાન આવતાં પોતાની સાથે શું થયેલું એનું વર્ણન કર્યું હતું.


