આ સિંહબાળને પહેલેથી ટ્રેઇન કરવામાં આવ્યું છે છતાં ધારો કે કંઈક ગરબડ થાય તો એની જવાબદારી કસ્ટમરે જાતે ઉઠાવવાની રહે છે એવો ડૉક્યુમેન્ટ હોટેલવાળા સહી કરાવી લે છે.
આ હોટેલમાં સિંહબાળની સર્વિસ આપતી ખાસ ૨૦ રૂમો છે
ચીનની એક હોટેલ હાલમાં અનોખી સર્વિસ માટે ચર્ચામાં છે. આ હોટેલમાં અલાર્મની જરૂર નથી પડતી. અહીં તમે ઊઠો ત્યારે તમારી સાથે પથારીમાં સિંહબાળ આવીને મસ્તી કરે છે. અલબત્ત, એ માટે તમારે અગાઉથી સ્પેશ્યલ બુકિંગ કરાવવું પડે છે. સામાન્ય રીતે સવારે આઠથી ૧૦ વાગ્યા દરમ્યાન તમારી રૂમમાં સિંહબાળ આવે છે અને ૭ મિનિટ માટે તમે એની સાથે રમી શકો છો. એ વખતે એની સાથે સિંહબાળને હૅન્ડલ કરવા માટે ટ્રેઇનર પણ હોય છે. આ હોટેલવાળાનો દાવો છે કે તેમની પાસે સિંહબાળને રાખવાનું અને આ સર્વિસ આપવાનું લાઇસન્સ પણ છે અને તેઓ જરૂરી તમામ સુરક્ષાનાં પગલાં લે છે. આ સિંહબાળને પહેલેથી ટ્રેઇન કરવામાં આવ્યું છે છતાં ધારો કે કંઈક ગરબડ થાય તો એની જવાબદારી કસ્ટમરે જાતે ઉઠાવવાની રહે છે એવો ડૉક્યુમેન્ટ હોટેલવાળા સહી કરાવી લે છે.
સોશ્યલ મીડિયા પર આ અનોખી સર્વિસ માટે મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. આ જ વર્ષે જૂન મહિનામાં એક હોટેલે રેડ પાન્ડાને વેક-અપ સર્વિસ માટે વાપરવાની જાહેરાત કરી હતી ત્યારે વિવાદ સર્જાયો હતો. પાન્ડા સંરક્ષિત જીવ ગણાતા હોવાથી વાઇલ્ડલાઇફ અધિકારીઓએ એ સર્વિસ બંધ કરી દીધી હતી. જોકે આ હોટેલમાં સિંહબાળની સર્વિસ આપતી ખાસ ૨૦ રૂમો છે. એ માટે ૮૮ ડૉલર એટલે કે લગભગ ૮૦૦૦ રૂપિયા અલગથી ચૂકવવાના રહે છે અને ડિસેમ્બરના પહેલા વીક સુધીનું બુકિંગ ફુલ છે.


