આ રહી રેસીપી...
કાચી કેરીનાં મલ્ટિ-ગ્રેન થેપલાં
સામગ્રી : મલ્ટિગ્રેન લોટ ૧ કપ, ઘઉંનો લોટ ૧/૨ કપ, કાચી કેરી ૧ નંગ (બારીક છીણેલી), તેલ (મોણ માટે) ૨ ચમચી, ગોળનો પાઉડર ૧ ચમચી, આદું-મરચાંની પેસ્ટ ૧ ચમચી, મેથીનો સંભારો ૧ ચમચી, તલ ૧ ચમચી, અજમો ૧/૨ ચમચી, લાલ મરચાંનો પાઉડર ૧ ચમચી, હળદર ૧/૨ ચમચી, કોથમીર ૨ ચમચી (બારીક સમારેલી), મીઠું સ્વાદાનુસાર, તેલ શેકવા માટે, દહીં સર્વ કરવા માટે
બનાવવાની રીત: મિશ્રણ તૈયાર કરવું : એક કથરોટમાં કાચી કેરીનું છીણ લો. એમાં આદું-મરચાંની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું અને ગોળનો પાઉડર નાખીને બરાબર મિક્સ કરો.
મસાલા ઉમેરવા : હવે એમાં મેથીનો સંભારો, કોથમીર, તલ અને અજમો મિક્સ કરીને થોડી વાર રહેવા દો.
લોટ બાંધવો : ત્યાર બાદ એમાં મોણ માટે તેલ ઉમેરો. હવે મલ્ટિગ્રેન લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને લોટ બાંધી લો. જો જરૂર જણાય તો જ પાણીનો ઉપયોગ કરવો.
વણવા અને શેકવા : તૈયાર લોટને થોડું તેલ લગાવીને મસળી લો. એમાંથી લૂઆ કરી, અટામણ લઈને પાતળાં થેપલાં વણી લો.
તવા પર થેપલાંને પહેલાં બન્ને બાજુ અધકચરાં શેકી લો. ત્યાર બાદ તેલ લગાવીને ગુલાબી ડાઘ પડે ત્યાં સુધી સરસ શેકી લો.
સર્વિંગ : આ ચટાકેદાર થેપલાંને ઠંડા દહીં સાથે સર્વ કરો.
ટિપ્સ : કેરી થોડી ખાટી લેવી જેથી સ્વાદ સરસ આવે.
થેપલાં વણતી વખતે મુશ્કેલી ન પડે એ માટે કેરીને બારીક છીણીથી જ છીણવી.
