સરખી ફિન્ગરપ્રિન્ટ અને આંખની કીકી માટે કાનપુરનાં આ ટ્વિન્સ ફેમસ તો થઈ ગયાં, પણ હકીકતમાં એ ઍડ્મિનિસ્ટ્રેટિવ ગરબડ છે, કાનપુરમાં છેલ્લા એક મહિનાથી અનોખાં ટ્વિન્સ બાબતે રહસ્ય ઘેરાયું છે. આ જોડિયા ભાઈઓ એટલે પ્રબલ અને પવિત્ર મિશ્રા.
સરખી ફિન્ગરપ્રિન્ટ અને આંખની કીકી માટે કાનપુરનાં આ ટ્વિન્સ ફેમસ તો થઈ ગયાં, પણ હકીકતમાં એ ઍડ્મિનિસ્ટ્રેટિવ ગરબડ છે
કાનપુરમાં છેલ્લા એક મહિનાથી અનોખાં ટ્વિન્સ બાબતે રહસ્ય ઘેરાયું છે. આ જોડિયા ભાઈઓ એટલે પ્રબલ અને પવિત્ર મિશ્રા. બન્નેના બાયોમેટ્રિક રિપોર્ટ્સ ભલભલા વૈજ્ઞાનિકોને પણ દંગ કરી દે એવા હતા. કેમ કે બન્નેની ફિન્ગરપ્રિન્ટ એકસરખી હતી અને બન્નેની આંખોની કીકીની પૅટર્ન પણ એકસરખી હતી. ભલે આઇડેન્ટિક ટ્વિન્સ હોય, ક્યારેય આટલુંબધું સામ્ય હજી સુધી કોઈ કેસમાં જોવા નથી મળ્યું. બન્નેનાં ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીનાં બાયોમેટ્રિક્સ એકસરખાં હોવાથી બીજા છોકરાનું આધાર બનાવવા જતાં પહેલા ભાઈનું આધાર ડીઍક્ટિવેટ થઈ ગયું. જ્યારે પહેલા ભાઈનો બાયોમેટ્રિક ડેટા અપડેટ કરાવ્યો ત્યારે યુનિકનેસ પર નિર્ભર રહેતી બાયોમેટ્રિક સિસ્ટમે બીજા ભાઈનું આધાર ડીઍક્ટિવેટ કરી દીધું. એક્સપર્ટ્સનું કહેવું છે કે આઇડેન્ટિકલ ટ્વિન્સમાં પણ ફિન્ગરપ્રિન્ટમાં સમાનતા ૫૦થી ૭૪ ટકા જેટલી હોય છે, પરંતુ એકસરખી જ ફિન્ગરપ્રિન્ટ હોય એવું કદી ન બને. બસ, આ સામાચાર ફેલાતાં આ ટ્વિન બાળકોને યુનિક કરાર કરી દેવામાં આવ્યાં. એકસરખાં બાયોમેટ્રિક્સને કારણે ટ્વિન્સ આધાર કાર્ડ નથી બનાવી શકતાં એ વાત ચોમેર ફેલાઈ ગઈ. જોકે આ સમાચાર વાઇરલ થયા પછી કાનપુનરના આધાર સેવા કેન્દ્રએ તપાસ શરૂ કરી. કેન્દ્રના અસિસ્ટન્ટ મૅનેજરનું કહેવું છે કે ‘બન્ને બાળકોનો જન્મ ૨૦૧૫ની ૧૦ જાન્યુઆરીએ થયો છે. જનમના થોડા મહિના પછી બન્નેનાં આધાર કાર્ડ બનાવ્યાં હતાં. નાનાં બાળકોમાં રેટિના કે ફિન્ગરપ્રિન્ટની છાપ લેવામાં નથી આવતી. જોકે બાળકો મોટાં થયા પછી આધાર કાર્ડ અપડેટ કરાવવા આવ્યાં ત્યારે નામ છોડીને બન્નેની બધી વસ્તુ એકસરખી હતી એટલે અપડેટ કરતી વખતે એકને બદલે બન્ને આધાર કાર્ડમાં એકસાથે અપડેશન થઈ જતાં આધાર કાર્ડ ડીઍક્ટિવેટ થઈ ગયું. આ બાયોમેટ્રિક મિક્સિંગનો કિસ્સો છે, બેઉનાં બાયોમેટ્રિક્સ જુદાં છે, પણ ટેક્નિકલ ભૂલને કારણે આમ થયું હતું.’


