જપાનમાં સ્ત્રી-પુરુષનો રેશિયો ખોરવાઈ ગયો છે. સરકારી આંકડા પ્રમાણે દેશમાં ૨૦૨૦માં ૧૫થી ૪૯ વર્ષની વયજૂથની એકાકી મહિલાઓની સંખ્યા ૯.૧ મિલ્યન હતી, જ્યારે પુરુષોની ૧૧.૧ મિલ્યન હતી.
પ્રતીકાત્મક તસવીર
જપાનમાં સ્ત્રી-પુરુષનો રેશિયો ખોરવાઈ ગયો છે. સરકારી આંકડા પ્રમાણે દેશમાં ૨૦૨૦માં ૧૫થી ૪૯ વર્ષની વયજૂથની એકાકી મહિલાઓની સંખ્યા ૯.૧ મિલ્યન હતી, જ્યારે પુરુષોની ૧૧.૧ મિલ્યન હતી. પુરુષો અને મહિલાઓની વસ્તીમાં લગભગ ૨૦ ટકા જેટલું અંતર હતું અને ક્યાંક તો એ અંતર ૩૦ ટકા સુધી પહોંચી ગયું હતું. જપાનના ગ્રામ્ય વિસ્તારોમાં એકાકી પુરુષોની વસ્તી કરતાં એકાકી મહિલાઓની વસ્તી ઘટી રહી છે. અભ્યાસ અને નોકરીધંધા માટે પુરુષો કરતાં વધુ સંખ્યામાં મહિલાઓ ટોક્યોમાં સ્થાયી થઈ છે અને મોટા ભાગની મહિલાઓ ગ્રામ્ય વિસ્તારોમાં પાછી નથી ફરી. પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં એકાકી પુરુષો કરતાં એકલી રહેતી મહિલાઓ ઘટી ગઈ છે એથી જપાન સરકારે એકલી રહેતી મહિલાઓ ગામડામાં રહેવા તૈયાર થાય અને યોગ્ય પાત્ર શોધે એ માટે પ્રવાસખર્ચની સાથોસાથ સ્થળાંતર માટે આર્થિક પ્રોત્સાહન આપવાની યોજના શરૂ કરી છે. એ માટે સરકારે પાટનગર ટોક્યોમાંથી પહેલ શરૂ કરી છે. યોજના પ્રમાણે ટોક્યોના ૨૩ વૉર્ડમાંથી ગામડામાં સ્થળાંતર કરનારી મહિલાઓને સરકાર ૭૦૦૦ ડૉલર આપશે.
જપાનમાં એ સિવાય પણ બીજી સમસ્યા છે, વસ્તીઘટાડાની. ત્યાં જન્મદર નીચલા સ્તરે પહોંચી ગયો છે. ૨૦૨૩માં માત્ર ૭,૨૭,૨૭૭ બાળક જન્મ્યાં હતાં એટલે વસ્તી વધારવા માટે યુગલોને બાળકોને જન્મ આપવા માટે આર્થિક પ્રોત્સાહન, બાળકોની સંભાળની સુવિધા પણ આપવા તૈયારી દર્શાવી છે. એ તો ઠીક, ટોક્યોમાં ડેટિંગ ઍપ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે એકલા રહેતા લોકોને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી યોગ્ય સાથી શોધવામાં મદદ કરે છે.


