આ માછલી અસલી છે કે નકલી?
આ માછલી અસલી છે કે નકલી
જપાનના સોશ્યલ મીડિયા પર એક રંગબેરંગી માછલીની તસવીર ચર્ચાસ્પદ બની છે. તસવીરમાં માછલી એકદમ હટકે રંગની અને માંસલ-તંદુરસ્ત દેખાય છે કે લોકો પૂછે છે કે અતિશય પ્રમાણમાં ડિજિટલ એડિટિંગને કારણે એવું બન્યું છે કે શું? ગયા શુક્રવારે Fishing Gang Azusa નામની યુટ્યુબ ચૅનલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરેલી તસવીરમાં એ માછલી ચીતરેલી હોય એવી લાગતી હતી. લોકો પૂછતા હતા કે આવી બહુરંગી માછલી સાચી છે કે પછી ફોટોશૉપમાં બનાવી છે? લગભગ મોટા ભાગના વ્યુઅર્સનું માનવું હતું કે આટલી બ્રાઇટ રંગની માછલી અસલી હોઈ જ ન શકે એટલે એ યુટ્યુબ ચૅનલે પુરાવારૂપે આ માછલી કઈ રીતે પકડી છે એનો વિડિયો શૅર કર્યો છે. જપાનમાં કિનુબેલા નામે ઓળખાતી એ માછલી પરગ્રહ પરથી આવી હોય એવું લાગતું હતું. એ માછલી પ્રશાંત મહાસાગર અને હન્દી મહાસાગર ઉપરાંત ઍટલાન્ટિક સમુદ્રમાં મળે છે. ટ્વિટર પર એ વિડિયોને બે લાખથી વધુ લાઇક્સ મળી છે અને એના ૩૭ હજારથી વધુ રીટ્વીટ્સ કરવામાં આવ્યા છે.

