છેલ્લા કેટલાય દિવસથી સોનમના કોઈ સગડ મળી નથી રહ્યા ત્યારે એવી આશંકા જતાવાઈ રહી છે કે કદાચ સોનમનું અપહરણ થઈ ગયું છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્દોરનું એક કપલ રાજા રઘુવંશી અને સોનમ હનીમૂન માટે શિલૉન્ગ ગયાં હતાં. ત્યાં થોડા દિવસ માટે બન્નેનો સંપર્ક છૂટી જતાં પરિવારજનોએ તેમની શિલૉન્ગમાં શોધ ચલાવી હતી. એમાં રાજાનો મૃતદેહ જંગલ જેવા ટ્રૅક પાસે મળી આવ્યો હતો અને સોનમનો કોઈ અતોપતો નથી. છેલ્લા કેટલાય દિવસથી સોનમના કોઈ સગડ મળી નથી રહ્યા ત્યારે એવી આશંકા જતાવાઈ રહી છે કે કદાચ સોનમનું અપહરણ થઈ ગયું છે. હનીમૂન મિસ્ટરીના આ કેસને સૉલ્વ કરવા માટે સ્થાનિક પોલીસ ખાઈખપૂચીને મંડી પડી છે. જોકે એ સમયે એક અજીબોગરીબ હરકત સોનમના ઘરે જોવા મળી હતી. સોનમના ઘરની બહાર દીકરીનો ઊંધો ફોટો લટકાવવામાં આવ્યો છે. સોનમના પરિવારે જ્યોતિષીની સલાહથી આ કદમ ઉઠાવ્યું છે. લગ્ન પછી દોઢ મહિના સુધી ઘર છોડવાનું સોનમ માટે અશુભ છે એવું કહેવા છતાં સોનમ હનીમૂન પર ગઈ હતી. પિતાનું કહેવું છે કે જમાઈ તો હવે આ દુનિયામાં નથી રહ્યા, પણ હવે દીકરીને કોઈ ચમત્કાર જ બચાવી શકે એમ છે. હિન્દુ પરિવારમાં એવી માન્યતા છે કે જો કોઈ ખોવાયેલી વ્યક્તિનો ફોટો ઊલટો કરીને ઘરની બહાર લટકાવવામાં આવે તો તે જલદી પાછી આવી જાય છે.

