ચાર દાયકા વીતી ગયા હોવા છતાં તેમનાં ૯૫ વર્ષનાં મમ્મીએ આજ સુધી દીકરો પાછો આવશે
ભારતીય ગોપાલન ચંદ્રન
૭૪ વર્ષના ભારતીય ગોપાલન ચંદ્રન બાહરિનમાં ચાર દાયકા સુધી કોઈ દસ્તાવેજ વિના રહ્યા પછી ભારત પાછા આવ્યા છે. ચાર દાયકાથી વધુ સમયથી મધ્યપૂર્વના દેશમાં ફસાયા પછી આખરે તે કેરલામાં પોતાના પરિવારને મળી શકશે. કેરલાના ત્રિવેન્દ્રમ જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા ગોપાલન ચંદ્રન ૧૯૮૩ની ૧૬ ઑગસ્ટે બાહરિન પહોંચ્યા હતા. તેમને હતું કે અહીં મહેનત કરીને સારો પગાર કમાશે તો પોતાના પરિવાર માટે પૈસા મોકલી શકશે, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. બાહરિન પહોંચ્યા પછી ગોપાલન જેને ત્યાં કામ કરવાનો હતો તેમનું અચાનક મૃત્યુ થઈ ગયું અને સાથે તેનો પાસપોર્ટ પણ ખોવાઈ ગયો. ગોપાલન પાસે કોઈ દસ્તાવેજ રહ્યા નહીં એટલે કેટલાંય વર્ષો સુધી ઇમિગ્રેશન સિસ્ટમમાં ફસાઈ ગયા. એવું લાગી રહ્યું હતું કે આ વમળમાંથી ક્યારેય નીકળી નહીં શકાય. જોકે નિવૃત્ત જજીઝ, વકીલો અને પત્રકારોની બનેલી પ્રવાસી લીગલ સેલ નામની સ્વૈચ્છિક સંસ્થા વિદેશોમાં ફસાયેલા ભારતીયો માટે કામ કરે છે. પ્રવાસી લીગલ સેલના બાહરિન ચૅપ્ટરના પ્રેસિડન્ટ સુધીર થિરુનિલાતે આ માટે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ સાથે જરૂરી કાર્યવાહીઓ કરી હતી જેથી ગોપાલનની વાપસી શક્ય બની છે.
હવે ગોપાલન ૭૪ વર્ષની ઉંમરે ઘરે પાછા આવશે. ચાર દાયકા વીતી ગયા હોવા છતાં તેમનાં ૯૫ વર્ષનાં મમ્મીએ આજ સુધી દીકરો પાછો આવશે એવી આશા છોડી નહોતી. પ્રવાસી લીગલ સેલના પ્રેસિડન્ટે ફેસબુક પર આ ઘટના શૅર કરીને લખ્યું હતું કે ‘બાહરિનથી ગોપાલને જ્યારે ભારત આવવા ફ્લાઇટ બોર્ડ કરી ત્યારે તેની પાસે ખાસ કોઈ સામાન નહોતો; સિવાય કે આંસુ, યાદો અને પાછા ફરવાની ઉમ્મીદ. આ કોઈ એક માણસ પાછો આવ્યો એની વાત નથી; પરંતુ માનવતા, ન્યાય અને ધીરજપૂર્વકના પ્રયત્નોનો સરવાળો છે.’

