કેરલમના પલક્કડ જિલ્લાના અય્યલુર ગામમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે કોઈ ફિલ્મી કહાણી જેવો લાગે છે. રહમાન નામના એક યુવકે ૨૦૧૦માં પોતાની પ્રેમિકા સાજિતા સાથે સંસાર માંડી દીધો હતો.
યુવકે પોતાની પ્રેમિકાને ૧૦ વર્ષ સુધી ઘરમાં રાખી, પરિવારજનોને ભનક પણ ન આવી
કેરલમના પલક્કડ જિલ્લાના અય્યલુર ગામમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે કોઈ ફિલ્મી કહાણી જેવો લાગે છે. રહમાન નામના એક યુવકે ૨૦૧૦માં પોતાની પ્રેમિકા સાજિતા સાથે સંસાર માંડી દીધો હતો. જોકે આ વાતની ખબર તેણે પોતાના પરિવારજનોને નહોતી કરી. ધર્મના ભેદને કારણે તેમનાં લગ્નને મંજૂરી નહીં જ મળે એવું તેઓ માનતાં હતાં એટલે સાજિતા રહમાનના ઘરે તો આવી ગઈ પણ કદી પરિવારજનોની સામે આવી જ નહીં. આવું એક-બે દિવસ હોય તો સમજ્યા, પણ ૧૦ વર્ષ સુધી કઈ રીતે શક્ય બન્યું? તો એ માટે સાજિતા કહે છે કે તે રહમાનના ઘરમાં ઉપરના માળે આવેલી રૂમમાં ભરાઈ ગઈ હતી. રહમાને ઘરમાં એવો ખોફ ઊભો કર્યો હતો કે તેની રૂમમાં કોઈએ પ્રવેશવાનું નહીં. તે દિવસે કમાવા માટે બહાર નીકળતો ત્યારે પોતાની રૂમને બહારથી તાળું મારી દેતો. અંદર સાજિતા આખો દિવસ ચૂપચાપ પડી રહેતી. કોઈ ભૂલથી પણ દરવાજો ખોલવાની કોશિશ ન કરે એ માટે રહમાન દરવાજા પાસે વીજળીના તાર બિછાવીને જતો. રાતે જ્યારે પરિવારજનો સૂઈ જાય ત્યારે સાજિતા ગામની ખુલ્લી હવામાં શ્વાસ લેવા નીકળતી અને અંધારામાં જ પાછી બારીમાંથી ઘરમાં અંદર ઘૂસી જતી. ૧૦ વર્ષ સુધી આ ચાલ્યું. જોકે ૨૦૨૧ની સાલની શરૂઆતમાં રહમાન થોડા દિવસ માટે અચાનક ગાયબ થઈ ગયો. પરિવારજનોને ચિંતા થતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તેની રૂમમાંથી કોઈ ક્લુ મળે એ માટે રૂમ ખોલી તો એમાંથી સાજિતા નીકળતાં તેમનો ભાંડો ફૂટી ગયો. રહમાન પાછો આવ્યો એ પછી પરિવારે તે બન્નેનાં લગ્ન કરાવી આપ્યાં અને હવે બન્ને કાનૂની રીતે પતિ-પત્ની બની ગયાં છે.
