થાઇલૅન્ડના કપલ એક્કાચાઇ અને લક્ષના તિરાનારતે નૉનસ્ટોપ ૫૮ કલાક ૩૫ મિનિટ સુધી કિસ કરીને સૌથી વધુ સમય સુધી કિસ કરવાનો રેકૉર્ડ રચ્યો હતો
એક્કાચાઇ અને લક્ષના તિરાનારત
થાઇલૅન્ડના કપલ એક્કાચાઇ અને લક્ષના તિરાનારતે નૉનસ્ટોપ ૫૮ કલાક ૩૫ મિનિટ સુધી કિસ કરીને સૌથી વધુ સમય સુધી કિસ કરવાનો રેકૉર્ડ રચ્યો હતો. થાઇલૅન્ડના પટાયામાં ૨૦૧૩ની ૧૨ ફેબ્રુઆરીએ આ રેકૉર્ડ રચવાની શરૂઆત થઈ હતી. હવે સવાલ એ છે કે એ રેકૉર્ડની અત્યારે ચર્ચા શા માટે કરવી જોઈએ? વાત એમ છે કે આ કપલે રેકૉર્ડ રચ્યો એ પછી તરત જ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે એ કૅટેગરીને બંધ કરી દીધી હતી. જોકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે છેક આ વર્ષે છઠ્ઠી જુલાઈએ એની પાછળનું કારણ જણાવ્યું હતું. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે એની સાઇટ પર લખ્યું છે કે આ કૉમ્પિટિશન ખૂબ ડેન્જરસ બની ગઈ હતી. આ રેકૉર્ડ રચવા માટે કિસ સતત હોવી જોઈએ અને બધી વખત કપલના હોઠ એકબીજાથી જોડાયેલા હોવા જોઈએ. કન્ટેસ્ટન્ટ્સ એ પ્રયાસ દરમ્યાન સ્ટ્રૉથી લિક્વિડ પી શકે છે, પરંતુ એ વખતે પણ હોઠ અલગ થવા ન જોઈએ. કપલે હરહંમેશ જાગવું પડે. કન્ટેસ્ટન્ટ્સે એ પ્રયાસ દરમ્યાન ઊભા રહેવું પડે અને તેઓ કોઈ પણ સપોર્ટ ન લઈ શકે. રેસ્ટ માટે મંજૂરી નહોતી. ડાઇપર્સ પહેરવાની પણ મંજૂરી નહોતી.


