ઝારખંડના રામકોલ ગામમાં છેલ્લા એક દાયકાથી અનોખો નિયમ હતો. અહીં બકરી પાળવા પર પ્રતિબંધ હતો
ઝારખંડનું રામકોલ ગામ
ઝારખંડના રામકોલ ગામમાં છેલ્લા એક દાયકાથી અનોખો નિયમ હતો. અહીં બકરી પાળવા પર પ્રતિબંધ હતો. જે વ્યક્તિ આ નિયમ તોડે તેણે ૨૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડતો હતો. જોકે એક દાયકાના પ્રતિબંધ પછી હવે ફરીથી બકરીપાલનની મંજૂરી મળી છે.
જોકે સવાલ એ થાય કે શા માટે બકરી પાળવાની મનાઈ હતી? રામકોલના મુખિયા મોહમ્મદ મંજર આલમે કહ્યું હતું કે ‘ગામમાં મોટા ભાગના લોકો ફળ, ફૂલ અને ધાન્યની ખેતીનું કામ કરે છે. જોકે બકરીઓને કારણે ગામમાં વારંવાર ઝઘડાટંટા થતા હતા. બકરીઓ ખેતરોમાં ઘૂસીને પાકને નુકસાન પહોંચાડતી હતી અને કુમળા છોડ અને વનસ્પતિઓને ચટ કરી જતી હતી. એને કારણે ખેડૂતોની મહેનત એળે જતી હતી. લગાતાર લગભગ દરરોજ એક ખેડૂત પંચાયતમાં જઈને બકરીએ કરેલા નુકસાનની ફરિયાદ કરતો. કોની બકરીએ આ કામ કર્યું એ સાબિત કરવામાં અને જે-તે પાલક પાસે એની માફી મગાવવાના કામમાંથી જ પંચાયત પરવારતી નહોતી. આખરે ૨૦૧૩માં ગ્રામપંચાયતે નિર્ણય લીધો, ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. મતલબ કે બકરીઓ પાળવા પર જ રોક લગાવી દીધી. ઢોલ પીટીને આખા ગામમાં એલાન કરી દેવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ ચોરીછૂપીથી બકરી પાળશે તો તેના પર ૨૫૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે અને બકરી જપ્ત કરી લેવામાં આવશે. આ નિયમ એક દાયકા સુધી રહ્યો. આ દરમ્યાન ગામમાંથી બકરીઓ લગભગ નહીંવત્ થઈ ગઈ. જેણે પણ આ નિયમ તોડ્યો તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો. ૨૦૨૩ પછીથી આ બાબતનું કડક વલણ ઢીલું કરવામાં આવ્યું અને હવે પંચાયતે કાયદેસર રીતે બકરી પાળવાની છૂટ આપી દીધી છે.

