રાજસ્થાનના અલવર જિલ્લામાં રહેતી પાયલ યાદવ નામની કન્યાએ છ વર્ષની ઉંમરમાં તેના બન્ને હાથ ગુમાવ્યા હતા
પાયલ યાદવ
રાજસ્થાના અલવર જિલ્લામાં રહેતી પાયલ યાદવ નામની કન્યાએ છ વર્ષની ઉંમરમાં તેના બન્ને હાથ ગુમાવ્યા હતા. મુંડનકલા નામના નાનકડા ગામમાં રહેતી પાયલે એ પછી પણ જીવનને પોતાની રીતે જીવવા માટે પગનો વપરાશ કેવી રીતે કરવો એ શીખી લીધું. તે મોટા ભાગનાં કામો પગેથી પોતાની મેળે કરી લે છે. શારીરિક અક્ષમતા પણ તેની આંતરિક પ્રતિભાને રોકી નથી શકી. તેણે આ વર્ષે દસમા ધોરણની પરીક્ષા આપીને દરેક વિષયમાં પૂરા માર્ક્સ મેળવીને ટૉપ કર્યું છે.
છ વર્ષની ઉંમરે તે ખેતરમાં રમતી હતી ત્યારે રમતાં-રમતાં હાઈ-ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં તેને જબરદસ્ત વીજળીનો શૉક લાગ્યો હતો. વીજળીનો ૧૧,૦૦૦ વૉલ્ટનો તાર તૂટીને ખેતરમાં પડ્યો હતો. એ તાર પાસે પડેલા બૉલને લેવા જતાં પાયલનો હાથ એ વાયરને સ્પર્શી ગયો હતો અને તે વાયરને ચોંટી ગઈ હતી. કરન્ટ એટલો જોરદાર હતો કે તેનો જીવ બચાવવા માટે ડૉક્ટરોએ તેના બન્ને હાથ કાપી નાખવા પડ્યા હતા. પરિવારે તેને કૃત્રિમ હાથ લગાવી આપ્યા હતા, પરંતુ પાયલે થોડા જ મહિનામાં એ કાઢી નાખ્યા હતા અને બધું જ કામ તેણે પગેથી કરતાં શીખી લીધું હતું. તે પગેથી જ લખે છે અને એ પણ પૂરતી સ્પીડમાં. દસમા ધોરણમાં તેણે ખૂબ મહેનત કરેલી. પાયલ કહે છે, ‘મારી આ સફળતામાં મારા પરિવારજનો અને ટીચર્સની મહેનતનો પણ ફાળો છે. હું કદી નાસીપાસ નહોતી થઈ. મેં કદી એવું નહોતું વિચાર્યું કે હાથ નથી તો હું કંઈ કરી શકું એમ નથી. મેં બધું જ કરવા માટે લગાતાર પ્રયાસ કર્યા અને એનું ફળ આજે મને મળ્યું છે.’


