ફ્રૅન્ચાઇઝી લેવાની કિંમત ૪.૫ લાખ રૂપિયાથી શરૂ થઈને ૪૩ લાખ રૂપિયા સુધીની છે. ડૉલી દેશભરમાં ‘ડૉલી કી ટપરી’નું વિસ્તરણ કરવાનું લક્ષ્ય રાખે છે.
ડૉલી ચાયવાલાએ ફ્રૅન્ચાઇઝી લૉન્ચ કરી
ભારતમાં રસ્તા પર ચા વેચીને વાઇરલ થયેલા નાગપુરના સુનીલ પાટીલ ઉર્ફે ડૉલી ચાયવાલાએ તેનું ફ્રૅન્ચાઇઝી-મૉડલ ‘ડૉલી કી ટપરી’ લૉન્ચ કર્યું છે અને માત્ર બે દિવસમાં તેને આ માટે ૧૬૦૯ અરજીઓ મળી છે. ફ્રૅન્ચાઇઝી લેવાની કિંમત ૪.૫ લાખ રૂપિયાથી શરૂ થઈને ૪૩ લાખ રૂપિયા સુધીની છે. ડૉલી દેશભરમાં ‘ડૉલી કી ટપરી’નું વિસ્તરણ કરવાનું લક્ષ્ય રાખે છે.
ફ્રૅન્ચાઇઝીની જાહેરાત સાથે ડૉલીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે આ ભારતની પહેલી વાઇરલ સ્ટ્રીટ-બ્રૅન્ડ છે અને હવે એ એક વ્યાવસાયિક તક છે. ડૉલીએ વાસ્તવિક ઉત્સાહ ધરાવતા લોકોને કંઈક મોટું, દેશી અને ખરેખર લેજન્ડરી બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
ADVERTISEMENT
ફ્રૅન્ચાઇઝીમાં ત્રણ વિકલ્પ છે, જેમાં સામાન્ય ટપરી ગાડીની કિંમત ૪.૫થી ૬ લાખ રૂપિયા વચ્ચે હશે; સ્ટોર મૉડલ વીસથી બાવીસ લાખ રૂપિયા વચ્ચે હશે; જ્યારે પૂર્ણ વિકસિત ફ્લૅગશિપ કૅફે ૩૯થી ૪૩ લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
ઘણા લોકોએ ડૉલીના આઇડિયાની પ્રશંસા કરી હતી, જ્યારે અન્ય લોકોએ આ વિશે શંકા વ્યક્ત કરી હતી. એક જણે ચેતવણીના સૂરમાં સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘કોઈ ફ્રૅન્ચાઇઝી ન લો. આ દુબઈ જશે અને તમે અહીં બૅન્ક-લોનમાં ફસાઈ જશો.’
જોકે ડૉલી ડગ્યા વિના કહે છે, ‘મને સ્કૂલમાં જવાની તક મળી નથી. મેં મારી ચાની ગાડી પાછળ ૨૦ વર્ષ વિતાવ્યાં છે અને ક્યારેય હાર માની નથી. આજે હું મારી જાતને ભાગ્યશાળી અનુભવું છું, પણ એનાથી પણ વધુ મને પોતાના પર ગર્વ છે.’

