પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ અને પડકારનો સામનો કરી ચૂકેલાં સ્વામી અનંતાગિરિ પૂર્વાશ્રમમાં કરોડો રૂપિયાનો પરફ્યુમ-ઇન્ડસ્ટ્રીનો કારોબાર કરતાં હતાં.
સ્વામી અનંતાગિરિ
પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ અને પડકારનો સામનો કરી ચૂકેલાં સ્વામી અનંતાગિરિ પૂર્વાશ્રમમાં કરોડો રૂપિયાનો પરફ્યુમ-ઇન્ડસ્ટ્રીનો કારોબાર કરતાં હતાં. તેમના પતિને ડ્રગ્સની લત લાગી ગઈ હતી અને તેઓ વિચારવા-સમજવાની ક્ષમતા ખોઈ બેઠા હતા. આ હતાશાજનક દુઃખનો સામનો કર્યા બાદ તેમણે પોતાના જીવનને આધ્યાત્મિકતાના માર્ગ પર વાળી દીધું અને બધું છોડીને ગુરુ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી ચરણાશ્રિતગિરિજી મહારાજ પાસે દીક્ષા લઈને તેમણે સ્વામી અનંતાગિરિ બની વિદ્યાસાધના શરૂ કરી. નશો કોઈનું જીવન બરબાદ ન કરે એ માટે પોતાના હૃષીકેશ સ્થિત સ્વર યોગ પીઠ સંસ્થાન દ્વારા તેઓ સતત બાળકો અને યુવાનોને આધ્યાત્મિક રસ્તે વાળવાનાં અનેક અભિયાન ચલાવે છે. તેમણે ૧૦,૦૦૦થી વધુ યુવાનોને નશાથી દૂર કરી સનાતન ધર્મના માર્ગે વાળ્યા છે. તેમના માર્ગદર્શનમાં ૨૦૦થી વધુ યુવાનો ભારતમાં અને કૅનેડા તથા ન્યુ ઝીલૅન્ડમાં સફળ વ્યવસાય કરી રહ્યા છે.
અત્યારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રેરણાથી મહાકુંભમાં બાળકોને સ્વરયોગ શીખવાડી રહ્યાં છે. બાળકોમાં છુપાયેલી ઊર્જાને તેઓ ગાયત્રીમંત્ર, અગ્નિહોત્ર અને સ્વરવિજ્ઞાન દ્વારા જાગ્રત કરી રહ્યાં છે. સ્વામી અનંતાગિરિના મત પ્રમાણે સ્વરયોગની વિદ્યા ભગવાન શિવ અને માતા પાર્વતીના સંવાદોમાંથી પ્રેરિત છે. આ પ્રાચીન વિદ્યાથી આત્મજાગૃતિ અને માનસિક સંતુલન જાળવી શકાય છે.

