મુકેશ અંબાણી માત્ર ભારત નહીં પણ એશિયામાં સૌથી ધનિક છે
મુકેશ અંબાણી, બર્નાર્ડ આર્નોલ્ટ
‘ફૉર્બ્સ’ મૅગેઝિને વિશ્વના ટોચના અબજોપતિઓની યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં સામેલ ભારતીયોની સંખ્યા અગાઉના વર્ષની ૧૬૯થી વધીને આ વર્ષે ૨૦૦ થઈ છે. એટલે કે દુનિયાના ટોચના ધનિકોમાં ભારતીયોની સંખ્યા વધી છે. યાદીમાં સામેલ ભારતીય ધનિકોની કુલ સંપત્તિ ૭૯,૫૮૦ અબજ રૂપિયા છે. રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન મુકેશ અંબાણી ૯૬૮૮ અબજ રૂપિયાની સંપત્તિ સાથે ભારતના ધનિકોમાં ટોચના સ્થાને છે, જ્યારે ગૌતમ અદાણી ૭૦૧૫ અબજ રૂપિયાની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. મુકેશ અંબાણી માત્ર ભારત નહીં પણ એશિયામાં સૌથી ધનિક છે, જ્યારે વિશ્વના અબજોપતિઓમાં તેઓ નવમા ક્રમે છે. અંબાણીની નેટવર્થમાં ૩૯.૭૬ ટકાનો વધારો થયો હતો.
અબજોપતિની યાદીમાં નવાં ઉમેરાયેલાં રેણુકા જગતાણી કોણ છે?
રેણુકા જગતાણી લૅન્ડમાર્ક ગ્રુપનાં CEO (ચીફ એક્ઝિક્યુટવ ઑફિસર) છે. તેમની કુલ સંપત્તિ ૪૦૧ અબજ રૂપિયા છે. ૨૦૨૩ના મેમાં પતિ મિકી જગતાણીના નિધન બાદ રેણુકાએ કંપનીનો કાર્યભાર સંભાળ્યો હતો. ૧૯૭૩માં બાહરિનમાં પ્રથમ સ્ટોર સાથે લૅન્ડમાર્ક ગ્રુપની શરૂઆત થઈ હતી. હાલ તેમની કંપની ૨૨,૦૦૦ રીટેલ સ્ટોર્સ ધરાવે છે.
પૈસાદારોના લિસ્ટની ખાસ બાબતો
બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમનો પરિવાર ૧૯,૪૬૦ અબજ રૂપિયાની સંપત્તિ સાથે વર્લ્ડમાં નંબર વન છે. તેમના પછીના ક્રમે ઇલૉન મસ્ક (૧૬,૨૮૭ અબજ રૂપિયા), જેફ બેઝોસ (૧૬,૨૦૩ અબજ રૂપિયા), માર્ક ઝકરબર્ગ (૯૫૨૧ અબજ રૂપિયા) અને લેરી એલિસન (૯૫૨૧ અબજ રૂપિયા)નો સમાવેશ થાય છે. અંબાણીની કુલ સંપત્તિ ૯૬૮૮ અબજ રૂપિયા અને અદાણીની ૭૦૧૫ અબજ રૂપિયા છે. સાવિત્રી જિંદલ ભારતનાં સૌથી ધનિક મહિલા છે. તેમની કુલ સંપત્તિ ૨૭૯૮ અબજ રૂપિયા છે. બાયજુઝના રવીન્દ્રન અને રોહિકા મિસ્ત્રી આ વર્ષની યાદીમાંથી બહાર થઈ ગયાં છે.

