ઇંગ્લૅન્ડના નૉરફૉકમાં એક કૂકડાને કાયમ માટે ચૂપ કરી દેવાની નોટિસ આપવામાં આવી હતી
કૂકડો
ઇંગ્લૅન્ડના નૉરફૉકમાં એક કૂકડાને કાયમ માટે ચૂપ કરી દેવાની નોટિસ આપવામાં આવી હતી. એનું કારણ એ હતું કે એ વહેલી સવારે બાંગ પોકારીને પાડોશીઓને ઉઠાડી દેતો હતો. કર્નલ નામના આ કૂકડાની વહેલા ઊઠવાની આદત બદલ એક પાડોશીએ ફરિયાદ કરતાં કાઉન્સિલે એને ઍન્ટિ-સોશ્યલ બિહેવિયર માટે નોટિસ પાઠવી હતી. એ પછી પણ કૂકડો રોજ સવારે ૪.૩૦ વાગ્યે બાંગ પોકારતો હતો જે એનું નૅચરલ બિહેવિયર છે. જોકે એ આદત માટે કાઉન્સિલે નિર્દેશ કર્યો કે કૂકડાને કોઈ પણ રીતે સવારે આઠ વાગ્યા સુધી ચૂપ રાખવો. તેની માલિકણ સૂનું કહેવું છે કે આ નાનકડા ગામમાં ગાય, કાગડા અને અન્ય પંખીઓનો અવાજ પણ સવારે સંભળાય છે. કૂકડાનું બોલવું કુદરતી છે અને કાઉન્સિલે એની સામે ઍક્શન લેવાને બદલે ગામના ઉબડખાબડ રસ્તાઓ અને ઠેર-ઠેર ફેલાયેલા કચરા તરફ ધ્યાન આપવું જોઈએ. સૂએ પોતાના કૂકડાને બચાવવા માટે લોકોને અપીલ કરી અને લગભગ ૬૦૦થી વધુ લોકો તેના સમર્થનમાં આવ્યા અને કહ્યું કે કૂકડો તો ગામની સવારની અસલી ઓળખ છે, એને ચૂપ ન જ કરવો જોઈએ.


