શખ્સે આઇફલ ટાવર સાઇકલ લઈને ચડવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે
આ સાહસ પૂરું કરવા માટે તેણે ૪ વર્ષ પહેલાં મહેનત શરૂ કરી હતી
ફ્રાન્સના આઇફલ ટાવરની ટોચે તો બધા પ્રવાસીઓ જતા હશે, પણ ફ્રાન્સના સાઇક્લિસ્ટ અને ટિકટૉકર ઑરેલિયન ફૉન્ટનૉય નામના ભાઈએ આઇફલ ટાવર સાઇકલ લઈને ચડવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ઑરેલિયને આઇફલ ટાવરના બીજા ડેક સુધીનાં ૬૮૬ પગથિયાં સાઇકલ પર જસ્ટ ૧૨ મિનિટ ૩૦ સેકન્ડમાં સર કરી લીધાં હતાં. આ દરમ્યાન તેણે એક પણ વાર પોતાની સાઇકલ પરથી નીચે પગ મૂક્યો નહોતો. દરેક પગથિયાને ઑરેલિયને સાઇકલ કુદાવી-કુદાવીને પાર કર્યું હતું. ૩૫ વર્ષના ઑરેલિયનનું કહેવું હતું કે આ કામ થકવી નાખનારું હતું. એમ છતાં તેણે જૂના રેકૉર્ડ કરતાં ૭ મિનિટ વહેલું આઇફલ ટાવર સર કરવાનું પરાક્રમ કરી લીધું હતું. આ સાહસ પૂરું કરવા માટે તેણે ૪ વર્ષ પહેલાં મહેનત શરૂ કરી હતી. સાઇકલ લાંબો સમય ચલાવવાનું પૂરતું નહોતું. રસ્સીકૂદ અને નાની જગ્યામાં સાઇકલને સંતુલિત રાખવાની કળા માટે તેણે ખાસ તાલીમ લીધી હતી.


