આ રેસ્ટોરાંના માલિક ભૂતપૂર્વ ડીસીપી એસપી શૈલેન્દ્ર સિંહના મતે શહેરની આ પહેલી ઑર્ગેનિક રેસ્ટોરાં છે
લખનઉમાં ગાયે કર્યું રેસ્ટોરાંનું ઉદ્ઘાટન
ઉત્તર પ્રદેશમાં ગૌપૂજનનું મહત્ત્વ વધતું જાય છે. તાજેતરમાં ગૌમાતાના હસ્તે લખનઉમાં એક રેસ્ટોરાંનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્ છે, વળી તાજેતરમાં એક સંશોધનમાં બહાર આવ્યું હતું કે ગૌમૂત્રનુ સેવન માનવ માટે હાનિકારક છે છતાં ગૌમાતા પ્રત્યેની શ્રદ્ધામાં કોઈ ઓટ આવી નથી. તાજેતરમાં ઑર્ગેનિક ઓએસિસ નામની એક રેસ્ટોરાંના ઉદ્ઘાટન માટે એક ગાય લવાઈ હતી. આ રેસ્ટોરાં લખનઉના લુલુમૉલ પાસે આવેલા સુશાંત ગૉલ્ફ સિટીમાં શરૂ કરવામાં આવી છે. આ રેસ્ટોરાંના માલિક ભૂતપૂર્વ ડીસીપી એસપી શૈલેન્દ્ર સિંહના મતે શહેરની આ પહેલી ઑર્ગેનિક રેસ્ટોરાં છે, એથી તેમને લાગ્યું કે આ રેસ્ટોરાંનુ ઉદ્ઘાટન ગાય કરે તો એ યોગ્ય રહેશે. રેસ્ટોરાંના ઉદ્ઘાટન દરમ્યાન ગાયના ગળામાં દોરડું બાંધવામાં આવ્યું હતું એ જોઈને એક યુઝરે એની ટીકા કરી હતી. તેના મતે ગાયનો આદર કરવો હોય તો કરે, પણ આ રીતે દેખાડો ન કરે.


