ગાઝિયાબાદના લોની વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નંદકિશોર ગુર્જરે પોલીસ અને પ્રશાસન વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરવા અનોખો રસ્તો અપનાવ્યો હતો. તેમણે ગુરુવારે રસ્તા પર બેસીને શાકભાજી વેચ્યાં હતાં.
વિધાનસભ્યએ રસ્તા પર બેસીને વેચ્યાં શાકભાજી
ગાઝિયાબાદના લોની વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નંદકિશોર ગુર્જરે પોલીસ અને પ્રશાસન વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરવા અનોખો રસ્તો અપનાવ્યો હતો. તેમણે ગુરુવારે રસ્તા પર બેસીને શાકભાજી વેચ્યાં હતાં. તેમણે પોતે જ ગ્રાહકોને લીલા વટાણાના ભાવ કહ્યા હતા ૩૦ રૂપિયે કિલો અને એને વજન કરીને વટાણા ભરી આપ્યા હતા.
પ્રશાસન રસ્તા પર ફેરિયાઓના અતિક્રમણને હટાવવાનું અભિયાન ચલાવી રહ્યું છે અને લોનીના ૧૦૦ ફીટ રોડ પર જે સાપ્તાહિક બજાર ભરાય છે એને હટાવવાનો પોલીસે મૌખિક આદેશ આપ્યો છે એના વિરોધમાં તેમણે રસ્તા પર બેસીને શાકભાજી વેચ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે લગભગ એક લાખ માણસોની રોજીરોટી લોની સાપ્તાહિક બજાર પર નિર્ભર છે, પોલીસ અને પ્રશાસન ગરીબોને હેરાન કરતો આવો તુઘલખી નિર્ણય ન લઈ શકે.
ADVERTISEMENT
પોલીસ જ્યારે તેમને આ બજારમાંથી હટાવવાની કોશિશ કરવા આવી ત્યારે તેમણે પોલીસ અને પ્રશાસન પર હપ્તારૂપે પૈસા માગવાના ગંભીર આરોપ લગાડ્યા હતા.
નંદકિશોર ગુર્જરે ફેરિયાઓ, રેંકડીવાળાઓ, ફળ-શાકભાજી કે અન્ય ચીજ-વસ્તુઓ વેચનાર ગરીબ લોકોના સમર્થનમાં પોતે રસ્તા પર બેસીને શાક વેચવાનું શરૂ કર્યું હતું. નંદકિશોર ગુર્જરે કહ્યું હતું કે હું જ્યાં સુધી આ શાકભાજીવાળાઓ અને અન્ય ફેરિયાઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી દરરોજ અહીં આવીને શાકવાળો બનીને શાકભાજી વેચીશ. તેમણે એક કલાક રસ્તા પર બેસીને લગભગ ૫૪ કિલો શાકભાજી વેચ્યાં હતાં.


