પિતૃતર્પણ માટે સૌથી મોટું ગણાતું બિહારનું ગયાજી હાલમાં ધમધમી રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
પિતૃતર્પણ માટે સૌથી મોટું ગણાતું બિહારનું ગયાજી હાલમાં ધમધમી રહ્યું છે. પિતૃતર્પણ માટે આ સ્થળની ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક વારસા અને ભવ્યતાને છતી કરતા વિડિયો બનાવીને ગયાજીને ડિજિટલ દુનિયામાં દેશદુનિયામાં ગાજતું કરવા માટે બિહારના પર્યટન વિભાગે એક જાહેરાત કરી છે. ‘પિતૃપક્ષ મેળો એક ઇન્ફ્લુઅન્સની નજરે’ શીર્ષક સાથે એક ઑનલાઇન સ્પર્ધા યોજવામાં આવી છે. એમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરોએ ૧૧ ઑક્ટોબરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પોતાની એન્ટ્રી મોકલવાની છે. એ એન્ટ્રીની સાથે તેમના અનુભવો, વિડિયો, રીલ, હટકે ફોટોગ્રાફ્સ અને બ્લૉગના માધ્યમથી રજૂઆત કરવાની છે. ગયાજીમાં પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધની પરંપરાઓ સાથે સંકળાયેલા ઐતિહાસિક સ્થળો, સંસ્કૃતિ, ખાણીપીણી અને પર્યટનના અનુભવોને ક્રીએટિવ અંદાજમાં પ્રસ્તુત કરનારને પ્રોત્સાહન આપવામાં આવશે. જોકે સ્પર્ધામાં ભાગ લેનાર ઇન્ફ્લુઅન્સરના ઑલરેડી ઓછામાં ઓછા ૨૫,૦૦૦ ફૉલોઅર્સ હોવા જરૂરી છે.
જે કોઈ પણ વ્યક્તિની અભિવ્યક્તિનો અંદાજ રચનાત્મક હશે અને ઇન્ટરનેટ પર પ્રસિદ્ધિ પામશે તેને વિનર જાહેર કરવામાં આવશે અને વિનરને ૩ લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. બીજા અને ત્રીજા નંબરના વિનરને અનુક્રમે બે અને એક લાખ રૂપિયાનો પુરસ્કાર મળશે. આશ્વાસન ઇનામો પણ છે. કુલ ૮.૨૫ લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવશે.
