બિહારના બક્સર જિલ્લામાં મંદિરમાં પ્રભુની સાક્ષીએ થયેલાં એક લગ્નની ક્લિપથી ખળભળાટ મચી ગયો છે
સંધ્યા દેવી નામની મહિલા પરણેલી છે અને તેને બે સંતાનો છે.
બિહારના બક્સર જિલ્લામાં મંદિરમાં પ્રભુની સાક્ષીએ થયેલાં એક લગ્નની ક્લિપથી ખળભળાટ મચી ગયો છે. અહીં એક મંદિર પરિસરમાં બે બાળકોની મમ્મીએ જસ્ટ ૧૮ વર્ષની ટીનેજર સાથે લગ્ન કરી લીધાં હતાં. સંધ્યા દેવી નામની મહિલા પરણેલી છે અને તેને બે સંતાનો છે. લગ્ન પછી તેને પોતાના જ ગામની રુબી નામની છોકરી સાથે પ્રેમ થઈ ગયો. બે છોકરીઓ સહેલીની જેમ ફરતી હોય તો એમાં પહેલી નજરે ગામવાળાઓને કંઈક ખોટું નહોતું લાગ્યું, પરંતુ જ્યારે તેમની વચ્ચેની નજદીકી કંઈક અલગ લેવલે પહોંચી ત્યારે ગામમાં ચણભણ શરૂ થઈ. જોકે બન્ને છોકરીઓએ શાંતિ જાળવી. તેઓ ગળાડૂબ પ્રેમમાં હતાં, પણ રુબી ૧૮ વર્ષની થાય ત્યાં સુધી રાહ જોવાની હતી. ગયા અઠવાડિયે એ ઇન્તેજાર ખતમ થયો અને બન્નેએ ગામના કાળ ભૈરવ મંદિરમાં ફૂલમાળા પહેરાવીને લગ્ન કરી લીધાં. આ લગ્નમાં ટીનેજર રૂબી દુલ્હાના વેશમાં હતી અને સંધ્યાએ દુલ્હનની ભૂમિકા ભજવી હતી. બન્નેના પરિવારજનોએ આ લગ્ન સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
