બૅન્ગલોરના RT નગર વિસ્તારમાં એક મહિલા દરરોજ તેમના ગોલ્ડન રિટ્રિવર ડૉગ્સને લઈને રસ્તા પર નીકળે છે.
વિડિયોમાં મહિલા જે શાંતિથી અને ચહેરા પર મુસ્કાન સાથે કૂતરાઓને માત્ર તાળીઓ પાડીને કન્ટ્રોલ કરી રહી છે
બૅન્ગલોરના RT નગર વિસ્તારમાં એક મહિલા દરરોજ તેમના ગોલ્ડન રિટ્રિવર ડૉગ્સને લઈને રસ્તા પર નીકળે છે. આ દેશી આન્ટીના ૨૮ ગોલ્ડન રિટ્રિવર ડૉગ લઈને ફરવાના વિડિયો જોઈને સોશ્યલ મીડિયા પર લોકોએ તેમને બેસ્ટ ડૉગ ફ્રેન્ડનો ખિતાબ આપ્યો છે. કૂતરાઓ પણ ખૂબ શાલીન અને ખાઈપીને હટ્ટાકટ્ટા છે. આ વિડિયોમાં મહિલા જે શાંતિથી અને ચહેરા પર મુસ્કાન સાથે કૂતરાઓને માત્ર તાળીઓ પાડીને કન્ટ્રોલ કરી રહી છે એ જોઈને ભલભલા લોકો ખુશ થઈ ગયા છે. જોકે આ જ વિસ્તારના કેટલાક લોકોએ સોશ્યલ મીડિયા પર આ બહેનની જે વાતો કમેન્ટમાં શૅર કરી છે એ વધુ ભાવુક કરનારી છે. એક બહેને લખ્યું છે કે ‘આ લેડીનું નામ સંગીતા મલ્હોત્રા છે. એક ઍક્સિડન્ટમાં પોતાના આખા પરિવારને ગુમાવ્યા પછી તેઓ એટલાં આઘાતમાં સરી પડ્યાં છે કે એ પછી તેઓ કશું બોલી શક્યાં નથી. હજી તેઓ મૂંગાં જ છે, માત્ર સાઇન લૅન્ગ્વેજ અને તાળી પાડીને તેમના ડૉગીઝની ફોજ સાથે મજાથી રહે છે.’ તો બીજી એક વ્યક્તિએ લખ્યું હતું કે આ બહેને તેમના કૂતરાઓ માટે કાર મૉડિફાય કરાવી છે. તેમના કૂતરાઓએ કદી તોફાન કર્યું નથી. એક મહિલા એકસાથે ઘરમાં ૨૮ ગોલ્ડન રિટ્રિવર ડૉગીઝ રાખે છે એ જોઈને કેટલાકે મજાકમાં એમ પણ કહ્યું છે કે કાશ, ભગવાન અમને પણ આટલા અમીર બનાવે.


