પહેલાં તેમની વચ્ચે દોસ્તી થઈ અને ક્યારે એ દોસ્તી પ્રેમમાં પાંગરી એની ખબર પણ ન પડી.
૮૦ વર્ષના દાદાને મળી ૨૩ વર્ષની દુલ્હન
ચીનના હુબઈ પ્રાંતમાં એક વૃદ્ધાશ્રમમાં એક અનોખી લવસ્ટોરી પાંગરી છે. ૮૦ વર્ષના લી નામના એક દાદા રિટાયરમેન્ટ હોમમાં રહે છે. આ હોમમાં વૉલન્ટિયર તરીકે કામ કરવા આવતી ૨૩ વર્ષની શિયાફાંગ નામની યુવતીને આ દાદા ગમી ગયા છે; દાદા તરીકે નહીં, જીવનસાથી તરીકે. પહેલાં તેમની વચ્ચે દોસ્તી થઈ અને ક્યારે એ દોસ્તી પ્રેમમાં પાંગરી એની ખબર પણ ન પડી. કહેવાય છે કે પ્રેમ થાય ત્યારે ન ઉંમર જુએ છે કે ન અમીરી-ગરીબી. શિયાફાંગ એટલી ગળાડૂબ પ્રેમમાં છે કે તેના પરિવારજનોએ વિરોધ કર્યો છતાં તે ન નમી. રિટાયર દાદાના પરિવારે પણ વિરોધ કર્યો અને છતાં બન્ને એક સાદગીભર્યા સમારોહમાં પરણી ગયાં. શિયાફાંગ પોતે કમાય છે અને દાદાનું પેન્શન આવે છે એટલે તેમની ઘરગૃહસ્થીમાં ફાઇનૅન્શિયલ પ્રૉબ્લેમ નથી આવતો. જોકે ચીનની એક સાહુ નામની વેબસાઇટે લગ્ન પછીના આ અનયુઝ્વલ કપલના ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે એ જોઈને ભલભલા દંગ રહી ગયા છે.


