લુઇસાને વર્લ્ડ રેકૉર્ડ બનાવવાની પ્રેરણા એક યુટ્યુબ વિડિયો પરથી મળી હતી
લુઇસા રોયર
યુનાઇટેડ સ્ટેટ્સના ઇન્ડિયાનામાં ડ્રોનની નજરે દુનિયા જોનારી ૮ વર્ષની બાળકીએ વિશ્વની સૌથી નાની વયની ડ્રોન-વિડિયોગ્રાફર તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવ્યું છે. ઇવાન્સવિલે ડે-સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી લુઇસા રોયરે પોતાની યુરોપ, જપાન, ઑસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયાની ટ્રિપ દરમ્યાન ડ્રોનથી સુંદર ફુટેજ લીધાં હતાં. લુઇસાના ટીચરે આ ફુટેજને ફિલ્મ-ફેસ્ટિવલમાં મોકલવાનું પ્રોત્સાહન આપ્યું હતું. લુઇસાને તેનાં ડ્રોન-ફુટેજ માટે AZડ્રોનફેસ્ટ ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલમાં ‘૨૦૨૩ બેસ્ટ ન્યુ ડ્રોન પાઇલટ અવૉર્ડ’ આપવામાં આવ્યો હતો.
લુઇસાએ ગિફ્ટમાં એક ડ્રોન માગ્યું હતું, કેમ કે તેને વિજ્ઞાન ગમે છે અને આ દુનિયાને જુદા દૃષ્ટિકોણથી એક્સપ્લોર કરવાની મજાની રીત છે. ૮ વર્ષ અને ૨૫૮ દિવસની ઉંમરે વિશ્વની સૌથી નાની વયની ડ્રોન-વિડિયોગ્રાફર (ફીમેલ)નું સન્માન મેળવનારી લુઇસાને વર્લ્ડ રેકૉર્ડ બનાવવાની પ્રેરણા એક યુટ્યુબ વિડિયો પરથી મળી હતી, જેમાં ૧૩ વર્ષના છોકરાએ મૅપિંગ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.

