વ્યાવસાયિક જીવન અને અંગત જીવન વચ્ચેનું સંતુલન રાખવાનું અઘરું થઈ પડે છે
રુદ્ર
દરેક દંપતીને માતા-પિતા બનવાનો અનુભવ લેવો હોય છે અને એ અનુભવ જીવનમાં સુખદ અનુભૂતિ કરાવે છે, પણ મોટા ભાગે આનંદ સાથે એ પડકાર પણ લઈ આવે છે. વ્યાવસાયિક જીવન અને અંગત જીવન વચ્ચેનું સંતુલન રાખવાનું અઘરું થઈ પડે છે. ખાસ કરીને એકલા રહેતા વર્કિંગ કપલ માટે વધારે મુશ્કેલ બની જાય છે. જોકે બૅન્ગલોરમાં રહેતા મેન્ટલ હેલ્થ પ્લૅટફૉર્મ યૉરદોસ્તના સહસ્થાપક પુનિત મનુજા અને ઋચા મનુજાએ આનો રસ્તો શોધી કાઢ્યો છે. તેઓ ઑફિસ જાય ત્યારે તેમના નાનકડા દીકરા રુદ્રને સાથે લઈને જાય છે. પુનિતે આ વાત કહેતી પોસ્ટ લિન્ક્ડઇન પર મૂકી છે. એમાં તેણે પિતૃત્વ અને બિઝનેસમૅન તરીકેના પડકારનો સામનો કરવાની વાત કહી છે. રુદ્રના જન્મ પછી જીવનમાં કેવાં પરિવર્તન આવ્યાં એ વિશે તેણે પોસ્ટમાં લખ્યું છે : જીવનમાં નાટકીય વળાંક આવ્યો છે, પણ બન્ને સાથે કામ કરતાં હોવાથી થોડો ફાયદો થયો. જોકે બાળક થતાં જીવનની વ્યસ્તતાનું સ્તર બેવડાઈ ગયું. શું કરવું, કેવી રીતે કરવું એ બધા સવાલથી ઘેરાઈ ગયાં. જોકે પછી એક મિત્ર સિદ્ધાર્થની સલાહ કામ લાગી ગઈ. સિદ્ધાર્થે દીકરાને ઑફિસ લઈ જવાનું સૂચન કર્યું. આ અખતરો તેણે પણ કર્યો હતો. એ પછી અમે રુદ્રને ઑફિસ લઈ જવાનું શરૂ કર્યું.
પુનિતે કંપનીના વૉટ્સઍપ-ગ્રુપમાં દીકરાના ફોટો સાથે મેસેજ લખ્યો હતો અને કર્મચારીઓને રુદ્રની હાજરીથી ખચકાટ વિના કામ કરવાનું સૂચન કર્યું હતું.


