શ્રાવણ મહિનામાં તે ડ્યુટી પર આવીને તરત જ પહેલાં ભગવાનને નમન કરે છે
પોલીસ-ડૉગી ખલી
માણસો તો ઠીક, પ્રાણીઓને પણ ભગવાનમાં આસ્થા અને શ્રદ્ધા હોય એવું જોઈને નવાઈ લાગે. આનું જીવંત ઉદાહરણ છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં તહેનાત પોલીસ-ડૉગી ખલીનું. ખલી ચાર વર્ષનો છે અને અત્યાર સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સુરક્ષામાં પણ કામ કરી ચૂક્યો છે. ખલીભાઈ પૉલીસની સ્ક્વૉડ સાથે અત્યારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં તહેનાત છે. શ્રાવણ મહિનામાં તે ડ્યુટી પર આવીને તરત જ પહેલાં ભગવાનને નમન કરે છે. એ પછી આખા મંદિરની પ્રદક્ષિણા કરવાની સાથે કંઈક સંદિગ્ધ ચીજ હોય તો સૂંઘવાનું કામ કરે છે. સોમવારના દિવસે એ માત્ર દૂધ અને પપૈયું ખાય છે અને એ પણ એક જ વાર. સામાન્ય દિવસોમાં એ દિવસમાં બે વાર દૂધ, રોટલી, નૉન-વેજ ડૉગ ફૂડ, ઈંડાં વગેરે ખાય છે, પણ શ્રાવણના સોમવારે એ ઉપવાસ કરે છે અને એક વાર દૂધ-ફળ ખાય છે. ખલીભાઈનો ખાસ ડાયટ છે અને એ માટે મહિને ૧૬,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. જર્મન શેફર્ડ બ્રીડનો ખલી રોજ એક કલાક બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ સાથે અભ્યાસ કરે છે અને એ પછી સર્ચિંગવર્કમાં લાગી જાય છે. ઉજ્જૈનમાં થનારા મોટા-મોટા મેળાવડાઓ કે આયોજનોમાં ખલીને સ્નિફર ડૉગ તરીકે તહેનાત કરવામાં આવે છે.

