મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના અંતરી ગામમાં એક જ પરિવારના પાંચ ભાઈઓનાં ઘરોમાં વારંવાર આગ લાગવાની ઘટના ઘટી રહી છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના અંતરી ગામમાં એક જ પરિવારના પાંચ ભાઈઓનાં ઘરોમાં વારંવાર આગ લાગવાની ઘટના ઘટી રહી છે. આગ લાગવાનું કારણ પણ રહસ્યમય છે. ગમે ત્યારે, ગમે એ સમયે, ઘરના કોઈ પણ ખૂણે આગ ફાટી નીકળે છે. એનાથી ડરીને હવે પરિવારજઓએ પોતાનું પાકું મકાન છોડીને આસમાન નીચે ખુલ્લામાં જ રાતે સૂવાનું શરૂ કર્યું છે. આ ઘરોમાં રાખેલાં કપડાં અને પથારીમાં અનેક વાર આગ લાગી ચૂકી છે. ક્યારેક તો અનાજના ભંડારમાં પણ આગ ફાટી નીકળે છે. અચરજની વાત એ છે કે આગ લાગે ત્યારે ન તો ઘરમાં કોઈ શૉર્ટ-સર્કિટ થઈ હોય છે કે ન ચૂલો, સ્ટવ કે ગૅસ ચાલુ હોય છે. આ ભાઈઓ ઘરનો કીમતી સામાન પોતાના ઘરેથી હટાવીને પાડોશીના ઘરે મૂકી આવ્યા તો ત્યાં પણ એ સામાનમાં આગ લાગવા લાગી એટલે પાડોશીઓએ પણ તેમનો કોઈ સામાન પોતાના ઘરમાં રાખવાની ધરાર ના પાડી દીધી છે. આગનો સિલસિલો બંધ કરવા માટે પરિવારજનોએ પહેલાં તાંત્રિકોનો સહારો લીધો, પણ તેમની તંત્રવિદ્યા પણ ફેલ ગઈ. આ ઘટનાઓની ફરિયાદ જિલ્લા પ્રશાસન પાસે પહોંચી એ પછી ઇલેક્ટ્રિસિટી વિભાગની ટીમે આ ઘરોનું બારીક નિરીક્ષણ કર્યું, પણ તેમને કંઈ જ અજુગતું મળ્યું નહીં. હવે ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના સાયન્ટિસ્ટો આ ઘરોની નિગરાની કરીને એનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
