ઘરે પાડવામાં આવેલા છાપામાં ૨૪ બંગલા, ૪ પ્લૉટ, ૪૦ એકર જમીન, ૩૫૦ ગ્રામ સોનું, દોઢ કિલો ચાંદી, બે લક્ઝરી કાર સહિત કુલ ૩૦ કરોડ રૂપિયાની સંપત્તિ મળી
ક્લર્કની નોકરી કરતા કલકપ્પા નિદાગુંડી
કર્ણાટકની રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડમાં ક્લર્કની નોકરી કરતા કલકપ્પા નિદાગુંડી નામના કર્મચારીના ઘરે શુક્રવારે દરોડો પડ્યો હતો. લોકાયુક્ત અધિકારીઓએ કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે ૧૫,૦૦૦ રૂપિયાની ક્લર્કની નોકરી કરનારા આ ભૂતપૂર્વ ક્લર્ક પાસે કુબેરના ખજાના જેટલી ધનસંપત્તિ હતી. કલકપ્પાની પત્ની અને ભાઈના નામે પણ તેણે અખૂટ સંપત્તિ જમા કરી રાખી હતી. દરોડામાં ૨૪ બંગલા, ૪ પ્લૉટ, ૪૦ એકરની ખેતીલાયક જમીનના દસ્તાવેજો મળ્યા હતા. આ ઉપરાંત તેની પાસે ૩૫૦ ગ્રામ સોનું અને દોઢ કિલો ચાંદીનાં આભૂષણો મળ્યાં હતાં. બે લક્ઝરી કાર અને બે ટૂ-વ્હીલર્સ પણ મળ્યાં હતાં. તેની કુલ સંપત્તિ ૩૦ કરોડ રૂપિયાને પાર હતી. નિવૃત્ત થઈ ચૂકેલા આ ક્લર્ક પર ૯૬ સરકારી પરિયોજનાઓમાં મોટા પાયે હેરાફેરી કરી હોવાનો આરોપ છે. લોકાયુક્ત અધિકારીઓનું માનવું છે કે આ તો હજી ઓછી સંપત્તિ હાથ લાગી છે. તેણે ૭૨ કરોડ રૂપિયાથી વધુની રકમ લાંચ લીધી હોવાની સંભાવના છે, કેમ કે તેણે અપ્રૂવ કરેલી યોજનાઓ કદી પૂરી નહોતી થઈ.


