ત્યાં લગ્નની વિધિ થઈ અને ફેરા ફર્યા પછી દુલ્હાનાં માતા-પિતાએ દીકરાનો હાથ દુલ્હનના હાથમાં થમાવી દીધો
કપલ
ભારતમાં લગ્ન પછી દુલ્હો લગ્ન કરીને દુલ્હનને પોતાના ઘરે લઈ આવે એવી પરંપરા છે, પરંતુ છત્તીસગઢમાં એક દુલ્હન જાન લઈને દુલ્હાના ઘરે ગઈ. ત્યાં લગ્નની વિધિ થઈ અને ફેરા ફર્યા પછી દુલ્હાનાં માતા-પિતાએ દીકરાનો હાથ દુલ્હનના હાથમાં થમાવી દીધો. દુલ્હન પોતાના વરને લઈને ઘરે જવા નીકળી. જોકે જેમ કન્યાવિદાય વખતે દુલ્હન રડે એમ વરવિદાયની આ ઘટનામાં દુલ્હો પણ પિયર છોડીને સાસરે જવાના પ્રસંગે ખૂબ રડ્યો. આ સત્યઘટના છે છત્તીસગઢના આદિવાસી વિસ્તાર સરગુજા જિલ્લાના સુલપગા ગામની. અહીં દુલ્હને પરંપરાઓને પડકાર આપીને રસમને ઊલટી નિભાવી હતી. દેવમુનિ એક્કા નામની યુવતીએ બિલાસસ બરવા નામના યુવાન સાથે લગ્ન કર્યાં હતાં. વાત એમ છે કે દેવમુનિ કન્યાને કોઈ ભાઈ નથી. તેના પિતાને ૪ દીકરીઓ જ છે. પિતા મોહન એક્કા ખેતીકામ કરે છે. દેવમુનિને પહેલેથી જ હતું કે તે પોતાના પિતા માટે એક દીકરો લઈ આવશે. તેનાં લગ્ન બરવા પરિવારના દીકરા સાથે નક્કી થયાં ત્યારે તેણે પહેલેથી શરત મૂકેલી કે લગ્ન તો જ થશે જો દીકરો પરણીને સાસરે જવા તૈયાર હશે. લગ્ન કરીને પોતાના પિયર માટે દીકરો લાવવાની દેવમુનિની ઇચ્છા પૂરી થઈ હતી. ભલે સમાજને અલગ લાગે, પરંતુ તેના પરિવાર માટે આ બહુ જરૂરી હતું. હવે દુલ્હો સાસરે જશે, પરંતુ સાસરે દીકરાની જેમ જ રહેશે.
