બાવીસ દિવસના જેલવાસ પછી ૧૭ વર્ષ કેસ લડવો પડ્યો અને ૩૦૦ સુનાવણીમાં હાજર રહેવું પડ્યું, એ પછી નિર્દોષ જાહેર થયો
૬૨ વર્ષના રાજ વીર
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક અજબ કિસ્સો સામે આવ્યો છે. ૬૨ વર્ષના રાજ વીરને ૨૪ જુલાઈએ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. જોકે આ ચુકાદો મેળવવા માટે રાજ વીરે ૧૭ વર્ષ સુધી કેસ લડવો પડ્યો હતો એટલું જ નહીં, આ ૧૭ વર્ષમાં તેણે કોર્ટની ૩૦૦ સુનાવણીઓમાં હાજર રહેવું પડ્યું હતું અને જામીન મેળવતાં પહેલાં બાવીસ દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. આ બધી હેરાનગતિ રાજ વીરે પોતાની કોઈ પણ ભૂલ વગર માત્ર છાપકામની એક ભૂલને લીધે વેઠવી પડી હતી.
૨૦૦૮માં પોલીસે ગૅન્ગસ્ટર ઍક્ટ હેઠળ ગંભીર ગુનામાં એક આરોપીને પકડીને તેના પર ગંભીર આરોપો મૂક્યા હતા. તે આરોપીનું નામ રામ વીર હતું. જોકે પોલીસ ઉપાડી ગઈ રામ વીરને બદલે તેના ભાઈ રાજ વીરને, કારણ કે ત્યારે પોલીસ-સ્ટેશનમાં ભૂલથી રામ વીરને બદલે રાજ વીર નામ લખાઈ ગયું હતું. એ પછી તો બાવીસ દિવસ જેલમાં રહીને રાજ વીરને માંડ-માંડ જામીન મળ્યા હતા. ત્યાર બાદ ૧૭ વર્ષ સુધી તેણે આ ભૂલ સુધરાવવા માટે મૈનપુરીથી લઈને આગરા કોર્ટમાં ધક્કા ખાતાં-ખાતાં ૩૦૦ સુનાવણીઓમાં હાજર રહેવું પડ્યું હતું. આ ૧૭ વર્ષ દરમ્યાન રાજ વીર માનસિક રીતે એટલોબધો હેરાન થઈ ગયો કે પરિવાર પર ધ્યાન નહોતો આપી શક્યો. અંતે તેના પુત્રએ ખેતમજૂરીનું કામ શરૂ કરવું પડ્યું હતું.


