બ્રિટિશ શાસન દરમ્યાન આ બિલ્ડિંગનો ઉપયોગ ધરપકડ કરાયેલા આરોપીઓને રાખવા માટે થતો હતો. આ બિલ્ડિંગ જૂનું હોવા છતાં હજીયે એમનું એમ જ છે
૧૪૦ વર્ષ જૂના પોલીસ-સ્ટેશનમાં બની ગઈ છે જેલ થીમની રેસ્ટોરાં
મેઘાલયના સોહરા શહેરમાં ૧૪૦ વર્ષ જૂના એક પોલીસ-સ્ટેશનને કૅફેમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. આ રેસ્ટોરાંનું નામ પાડ્યું છે સોહરા ૧૮૮૫. બ્રિટિશ શાસન દરમ્યાન આ બિલ્ડિંગનો ઉપયોગ ધરપકડ કરાયેલા આરોપીઓને રાખવા માટે થતો હતો. આ બિલ્ડિંગ જૂનું હોવા છતાં હજીયે એમનું એમ જ છે. મેઘાલય રાજ્યમાં અસ્તિત્વ ધરાવતાં સૌથી જૂનાં બિલ્ડિંગોમાં એનું સ્થાન છે. હવે તો આ જગ્યાએ પોલીસથાણું નથી, પરંતુ એ હેરિટેજ સમાન બિલ્ડિંગનો ઉપયોગ રેસ્ટોરાં તરીકે કરવામાં આવે છે. એ રેસ્ટોરાંના ઇતિહાસને અકબંધ રાખવા માટે એના ઇન્ટીરિયરમાં ખાસ બદલાવ નથી કરાયા. ઇન ફૅક્ટ, એમાં જે જેલની કોટડીઓ હોય એને પણ અકબંધ રાખવામાં આવી છે. ગ્રાહકોને એ જેલની સેલમાં બેસીને કેદીની જેમ ખાવાનું પીરસાય છે. અલબત્ત, એ ભોજન જેલ જેવું નહીં પરંતુ સ્વાદિષ્ટ હોય છે અને સ્થાનિક ખાણી-પીણીની યુનિક ચીજો ધરાવતું મેનુ એમાં છે. એકસાથે ૨૦૦ લોકો જમી શકે એવી આ રેસ્ટોરાં છે. એમાં ૨૦૦ કિલો વજનની એક ખાસ તિજોરીને રંગરોગાન કરીને રાખવામાં આવી છે.
આ પોલીસ-સ્ટેશનને રેસ્ટોરાં બનાવવાનો વિચાર સ્થાનિક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો હતો, જે પોલીસના વરિષ્ઠ અધિકારીઓને ગમી ગયો હતો. હવે આ રેસ્ટોરાંમાં ટૂરિસ્ટો ભોજનનો લુત્ફ ઉઠાવવા આવે છે અને એમાંથી મળતો નફો પોલીસોના કલ્યાણ માટે દાનમાં વપરાય છે.

