૧૦ વર્ષનો સૂર્યાંશ ઉત્તર પ્રદેશના સંત કબીર જિલ્લાના કુથિયા ગામનો રહેવાસી છે. તેને કૅન્સર છે અને તેની પાસે બહુ ઓછું જીવન બચ્યું છે
સૂર્યાંશ
વારાણસીના સિગરા સ્ટેશનમાં ગઈ કાલે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. એક દિવસ માટે આ ચોકીનો સ્ટેશન હાઉસ ઑફિસર (SHO) ૧૦ વર્ષનો છોકરો બન્યો હતો. ૧૦ વર્ષનો સૂર્યાંશ ઉત્તર પ્રદેશના સંત કબીર જિલ્લાના કુથિયા ગામનો રહેવાસી છે. તેને કૅન્સર છે અને તેની પાસે બહુ ઓછું જીવન બચ્યું છે એવું નિષ્ણાતોનું કહેવું છે. તેની સારવાર વારાણસીની હોમી ભાભા કૅન્સર હૉસ્પિટલમાં ચાલી રહી છે. તેની ઇચ્છા હતી કે મોટો થઈને પોલીસ-ઇન્સ્પેક્ટર બનું. અસાધ્ય બીમારીથી પીડાઈ રહેલાં બાળકોની ઇચ્છા પૂરી કરવા માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા મેક-અ-વિશ ફાઉન્ડેશને સૂર્યાંશની આ ઇચ્છા પૂરી કરવા માટે વારાણસીના પોલીસ-સ્ટેશન સાથે આયોજન કર્યું હતું. નાનકડા સૂર્યાંશને એક દિવસ માટે પોલીસની વરદી પહેરાવીને સિગરા પોલીસ સ્ટેશનના SHO બનવાનો મોકો આપ્યો હતો. સૂર્યાંશે પોલીસ-સ્ટેશનમાં ખુરસી સંભાળતાંની સાથે જ કહ્યું હતું, ‘જે ખોટું કામ કરશે તેને પકડી લઈશ.’


